વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ તો વડા પ્રધાન મોદીની પ્રશંસા કરે છે, પણ બીજી તરફ ભારતીયોની મુશ્કેલીઓ વધારી દે છે. ભારત પર 50 ટકા (25+25) ટેરિફ લગાવ્યા પછી તેમણે હવે વિઝા બોમ્બ ફોડ્યો છે. ટ્રમ્પે શુક્રવારે એક જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા છે જે હેઠળ H-1B વિઝાની ફી દર વર્ષે 1,00,000 અમેરિકન ડોલર સુધી વધારી દેવામાં આવશે. ભારતીય ચલણમાં વાત કરીએ તો નવી અરજી માટે અમેરિકા દર વર્ષે લગભગ 88 લાખ રૂપિયા વસૂલશે. હાલ H-1B વિઝા એપ્લિકેશનની ફી એકથી છ લાખ રૂપિયા સુધી છે.
ટ્રમ્પના આ નિર્ણયે ઘણા સવાલો ઊભા કર્યા છે. નવો H-1B વિઝા અરજીનો નિયમ શું છે? આખરે અમેરિકાએ એવો નિર્ણય કેમ લીધો? તેની સીધી અસર ભારતીયો પર કેમ પડશે? ચાલો, H-1B વીઝા સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ જાણીએ.
H-1B વિઝા અરજીનો નવો નિયમ શું છે?
ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી છે કે H-1B વિઝા માટે અરજી કરનાર કોઈ પણ વ્યક્તિએ પોતાની અરજી પ્રક્રિયા માટે દર વર્ષે $ 100,000 ફી આપવી પડશે. ભારતીય ચલણમાં તે લગભગ 88 લાખ રૂપિયા દર વર્ષે થાય છે.
આ નિયમ નવા અરજદારો સાથે-સાથે હાલના ધારકો પર પણ લાગુ પડશે. આ નવી ફી હાલની ફી સિવાય ચૂકવવી પડશે, જે બહુ ઓછી છે. હાલના H-1B ફીમાં વાર્ષિક લોટરી માટેના $ 215 રજિસ્ટ્રેશન ચાર્જ અને અન્ય અરજી ફી સામેલ છે.
આ નવા ફેરફારથી ઇન્ફોસિસ, TCS અને વિપ્રો જેવી ભારતીય IT કંપનીઓ પર મોટો અસર પડશે. આ કંપનીઓ H-1B વિઝાનો ઉપયોગ કરીને જુનિયર અને મિડ-લેવલ એન્જિનિયરોને અમેરિકન ક્લાયન્ટ પ્રોજેક્ટ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે અમેરિકા મોકલે છે. આ નવા બદલાવને કારણે ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકાની જગ્યાએ યુરોપિયન દેશોમાં જઈને નોકરી કરવાનું વધુ પસંદ કરશે.
