બરેલીમાં જુમ્માની નમાજ પછી ભીડે કરી તોડફોડઃ પોલીસનો લાઠીચાર્જ

બરેલીઃ ‘આઈ લવ મહંમદ’ વિવાદ થાળે નથી પડી રહ્યો. બરેલીમાં જુમ્માની નમાજ માટે એકઠી થયેલી ભીડ આક્રમક બની ગઈ હતો. ભીડે અનેક સ્થળોએ તોડફોડ કરી. અનિયંત્રિત ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ ઉપયોગ કરવો પડ્યો હતો.

બરેલીમાં જુમ્માની નમાજ બાદ અનેક જગ્યાએ મુસ્લિમ સમુદાયના લોકોએ પ્રદર્શન કર્યું હતું. એ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના હાથમાં ‘આઈ લવ મહંમદ’ લખેલાં પોસ્ટર હતાં. આ જુલૂસના રૂપમાં આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓને જ્યારે પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે વાતાવરણ ગરમાયું હતું. આ દરમિયાન પોલીસ અધિકારીઓ અને ભીડ વચ્ચે તીખી ચણભણ થઈ હતી. ત્યાર બાદ અનેક સ્થળોએ ભીડે હંગામો અને તોડફોડ કરી. આ લોકોને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

કાનપુરમાં ફરી દેખાયા વિવાદિત પોસ્ટર

કાનપુરના રાવતપુર વિસ્તારમાં ફરી ‘આઈ લવ મહંમદ’નાં પોસ્ટર જોવા મળ્યાં હતાં. આ પોસ્ટર ઘરો, ઇલેક્ટ્રિકના થાંભલા અને મસ્જિદોની દીવાલો પર ચોંટાડવામાં આવ્યાં હતાં. કાનપુરમાં અગાઉ પણ આવા બેનરો દૂર કરવા મુદ્દે વિવાદ થઈ ચૂક્યો છે. મસ્જિદોની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. આવન-જાવન કરનાર દરેક વ્યક્તિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

મેરઠમાં જુમ્માની નમાજ પર નજર

મેરઠમાં પણ જુમ્માની નમાજ દરમિયાન પોલીસે ચાંપતી નજર વધારી હતી. ‘આઈ લવ મહંમદ’ પોસ્ટર વિવાદ પછી પ્રશાસને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તહેનાત કરી. દરેક ખૂણેખાંચરે પોલીસ ફોર્સ સાથે સાથે ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ADG ભાનુ ભાસ્કરે જણાવ્યું હતું કે તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દળ સંપૂર્ણ રીતે એલર્ટ છે. સંવેદનશીલ વિસ્તારોમાં ક્યુઆરટી સાથે વધુ પોલીસની તૈનાતી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.