અરિજિત સિંહનો અવાજ જ્યારે જાદુ ફેલાવે છે ત્યારે લોકો તેમને લાગણીશીલ બની તેને સાંભળવાનું પસંદ કરે છે. તાજેતરમાં લંડનમાં અરિજિતનો એક કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટમાં સિંગરે ‘સૈયારા’નું ટાઇટલ ટ્રેક ગાવાનું શરૂ કર્યું, ત્યારે આખું સ્ટેડિયમ તેમના અવાજમાં ડૂબી ગયું. પરંતુ આ જાદુઈ ક્ષણ જે રીતે સમાપ્ત થઈ તેનાથી ચાહકો આશ્ચર્યચકિત અને નિરાશ બંને થયા.

લંડન સ્ટેડિયમમાં આ કોન્સર્ટ દરમિયાન અરિજિત સિંહ ‘સૈયારા’ ગીત ગાઈ રહ્યા હતા, જે મૂળ ફહીમ અબ્દુલ્લાએ ગાયું છે. ચાહકોની ભીડ સાથે ગીત ગાતા વાતાવરણ ભાવુક થઈ ગયું હતું. પરંતુ રાત્રે 10:30 વાગ્યાનો કર્ફ્યુનો સમય ઓળંગતાની સાથે જ આયોજકોએ કડક કાર્યવાહી કરવી પડી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અરિજિત સિંહ શૉમાં ગીત ગાઈ રહ્યો છે ને સ્ટેડિયમ વહીવટીતંત્ર શોમાં વીજળી બંધ કરી નાખે છે. પરિણામે, અરિજિત ન તો ગીત પૂર્ણ કરી શક્યો કે ન તો પ્રેક્ષકોને યોગ્ય વિદાય આપી શક્યો.
વાયરલ ક્લિપ શેર કરતા એક ઇન્સ્ટાગ્રામ પેજ પર લખ્યું છે,’લંડન સ્ટેડિયમમાં રાત્રે 10:30 વાગ્યે કર્ફ્યુ હોવાના કારણે અરિજિત સિંહનો શો બંધ થઈ ગયો હતો, વીજળી કાપી નાખવામાં આવી હતી અને તેમને ગુડબાય કહેવાની કે ગીત પૂર્ણ કરવાની તક પણ મળી ન હતી. આ દરમિયાન, ‘સૈયારા’ ના તેમના ભાવનાત્મક પ્રસ્તુતિનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.’ આ ઘટના પછી ઇન્ટરનેટ પર લોકોની પ્રતિક્રિયાઓનો પ્રવાહ વહેતો થયો. ઘણા ચાહકોએ તેમની નિરાશા વ્યક્ત કરી, તો કેટલાક વપરાશકર્તાઓએ યુકેના કડક અવાજ નિયંત્રણ નિયમોની પ્રશંસા કરી.
View this post on Instagram
એક યુઝર્સે લખ્યું,’સમયપાલન માટે આટલો આદર જોઈને અદ્ભુત લાગે છે.’ જ્યારે બીજાએ કહ્યું, ‘કાશ ભારતમાં પણ કર્ફ્યુ નિયમોને આટલી ગંભીરતાથી લેવામાં આવે.’ બીજી ટિપ્પણીમાં લખ્યું, ‘યુકેમાં અવાજ મર્યાદા અંગે કડક નિયમો છે. કાર્યક્રમ મોડો શરૂ થયો, જેના કારણે અંત પણ મોડો થયો. આયોજકોએ અગાઉથી તૈયારી કરવી જોઈતી હતી.’ નોંધનીય છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે અરિજિત સિંહ વૈશ્વિક સંગીત દ્રશ્ય પર રાજ કરી રહ્યા છે. જુલાઈમાં તે સ્પોટિફાઈ પર ટેલર સ્વિફ્ટને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ મેળવનારા કલાકાર બન્યા. આ ઉપરાંત, જૂનમાં તેમણે બ્રિટિશ ગાયક એડ શીરન સાથે મળીને હિટ સિંગલ ‘સેફાયર’ રજૂ કર્યું, જેમાં શાહરૂખ ખાનનો કેમિયો પણ હતો. આ ગીત ટૂંક સમયમાં જ વિશ્વભરમાં વાયરલ ટ્રેન્ડ બની ગયું.


