વધુ એક સફળતા : પૃથ્વીથી 9.2 લાખ કિમી દૂર પહોંચ્યું આદિત્ય-એલ-1

સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે. ઈસરોએ શનિવારે ભારતના સૂર્ય મિશનને લઈને મોટી માહિતી શેર કરી. ISROએ ટ્વીટ કર્યું કે આદિત્ય-L1 મિશન હેઠળ મોકલવામાં આવેલ અવકાશયાન સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રને છોડી દીધું છે અને તેણે 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. આદિત્ય-એલ1 મિશન વિશે માહિતી આપતાં ઈસરોએ કહ્યું કે હવે આ અવકાશયાન સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ સતત બીજી વખત છે જ્યારે ISRO પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રની બહાર અવકાશયાન મોકલવામાં સફળ રહ્યું છે. માર્સ ઓર્બિટર મિશન દરમિયાન આ પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.

1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે

નોંધનીય છે કે આદિત્ય એલ-1 4 મહિનામાં 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે. પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 પર પહોંચશે. લેગ્રેન્જ પોઈન્ટ-1 એ બિંદુ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે. અહીં રહેવા માટે કોઈ સાધનસામગ્રીને વધારે ઊર્જાની જરૂર નથી. આવી સ્થિતિમાં આદિત્ય એલ-1 સતત સૂર્ય પર નજર રાખી શકે છે અને તેનો અભ્યાસ કરી શકે છે. આદિત્ય એલ-1માં ફાયરિંગ દ્વારા જ તેને એલ-1 પર હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે.