અમદાવાદ: મંગળવારે ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે સાથે મળીને દિવ્યાંગજનો માટે કામ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી.અદાણી એરપોર્ટ્સના ડાયરેક્ટર જીત અદાણીએ જણાવ્યું, “હું આજે માત્ર અદાણી ગ્રુપના અગ્રણી તરીકે નહી પરંતુ આપ તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોની હિંમતથી પ્રેરિત થયેલ વ્યક્તિ તરીકે અહીં હાજર રહ્યો છું. આપની શક્તિઓ જોઈ મને જીવનનો સાચો અર્થ સમજાયો છે. અદાણી ગ્રુપ વતી હું આપને ખાતરી આપું છું કે આપની પ્રગતિ અને સશક્તિકરણ પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતા અચલ છે. મને ગૌરવ છે કે છેલ્લા 10 વર્ષમાં અદાણી ફાઉન્ડેશન કૌશલ્યવૃધ્ધિ, આજીવિકાની તકો, શિક્ષણ તેમજ રોજીંદા જીવનને આસાન બનાવવા માટે સાધન સહાય મારફતે તમારી સાથે જોડાયેલું છે. ખાસ કરીને કચ્છના મુંદ્રા, ખાવડા અને લખપત તાલુકાઓમાં દિવ્યાંગ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ અને હંમેશા કરતા રહીશું.”