નવી દિલ્હીઃ નીટ UG રિ-એક્ઝામના એક દિવસ પહેલાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની કથિત ટેક્નિકલ ભૂલને કારણે એક વિદ્યાર્થી અને તેના પરિવારની ચિંતા વધી ગઈ હતી. નાગપુરના વિદ્યાર્થી અબદુલ્લાને 21 જૂને યોજાનારી રિ-પરીક્ષા માટે ભારતને બદલે સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાર્થીએ અરજીમાં નાગપુર અને વર્ધાને પ્રાથમિકતા આપી હતી, તેમ છતાં સ્થાનિક વિકલ્પોની જગ્યાએ તેને સીધું વિદેશી પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હતું. આવી સ્થિતિમાં માત્ર 24 કલાકમાં પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરીને વિદેશ પહોંચવું શક્ય નહોતું. આ મામલાની જાણ થતાં જ માતા-પિતાએ NTAની હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ અધિકારીઓએ પ્રાથમિક તબક્કે તેને ટેક્નિકલ ભૂલ ગણાવી હતી.
મામલો ઉકેલી લેવાયો
તાજેતરમાં DGએ જણાવ્યું હતું કે મામલો ઉકેલી લેવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોને સાત જૂને પરીક્ષા શહેરની માહિતી આપવામાં આવી હતી અને 14 જૂને એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે NTA તપાસ કરી રહ્યું છે કે ઉમેદવારને અબુ ધાબીનું કેન્દ્ર કેવી રીતે ફાળવાયું. DGએ જણાવ્યું કે કેટલાક ઉમેદવારોના પાસવર્ડ સંપૂર્ણપણે સુરક્ષિત ન હોવાથી આવી સમસ્યાઓ સર્જાય છે. તપાસમાં સમય લાગશે, પરંતુ હાલમાં અમારો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. સાથે સાથે આ મામલે તપાસ પણ ચાલુ રહેશે.

NTAએ ભૂલ સ્વીકારી
આ સમસ્યાની જાણ થતાં NTAએ કથિત રીતે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે આ ટેક્નિકલ ખામીના કારણે થયું હતું. એજન્સીએ વિદ્યાર્થીના પરિવારને વિશ્વાસ અપાવ્યો કે ભૂલ સુધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે અને યોગ્ય પરીક્ષા કેન્દ્ર દર્શાવતું નવું એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે.
551 શહેરો અને 5400થી વધુ કેન્દ્રો પર યોજાશે પરીક્ષા
NEET UGની પરીક્ષા દેશભરનાં 551 શહેરો અને 5400થી વધુ કેન્દ્રો પર યોજાશે. પરીક્ષા માટે કુલ 22.8 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે અને એટલા જ ઉમેદવારો તેમાં ભાગ લેશે. તમામ પરીક્ષા કેન્દ્રોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનું લાઇવ પ્રસારણ સીધું કેન્દ્રીય કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવામાં આવશે.






