ગોવિંદા અને સુનિતાના ડિવોર્સની અફવામાં કેટલું સત્ય?

મુંબઈ: ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા ડિવોર્સના સમાચારને કારણે હેડલાઇન્સમાં છે. મંગળવારે સવારે એવી અફવા ફેલાઈ હતી કે ગોવિંદા અને સુનિતા 37 વર્ષના લગ્નજીવન પછી અલગ થઈ રહ્યા છે. જોકે આ દંપતીએ હજુ સુધી આ અફવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ અભિનેતાની ભાણી આરતી સિંહે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવીને રદિયો આપ્યો છે.

આરતીએ ન્યૂઝ18 ને જણાવ્યું કે તે શહેરમાં નથી, પરંતુ તે વિશ્વાસપૂર્વક કહી શકે છે કે ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાના અહેવાલો પાયાવિહોણા છે. આરતીએ કહ્યું કે વર્ષોથી તેઓએ ખૂબ જ મજબૂત અને પ્રેમાળ સંબંધ બનાવ્યો છે, તો પછી તેઓ છૂટાછેડા કેવી રીતે લઈ શકે? મને ખબર નથી કે લોકો આવી અફવાઓ ક્યાંથી મેળવે છે? આ બિલકુલ ખોટું છે.

અફવાઓ બિનજરૂરી તણાવ પેદા કરે છે

આરતીએ વધુમાં કહ્યું કે લોકોએ કોઈના પણ અંગત જીવન વિશે ખોટી માહિતી ફેલાવવાનું ટાળવું જોઈએ. મારા છૂટાછેડા વિશે ઘણી અફવાઓ પણ ફેલાઈ હતી. આવી પાયાવિહોણી ગપસપ બિનજરૂરી તણાવ પેદા કરે છે.
સુનિતાના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું.

ગોવિંદાના સેક્રેટરી શશી સિંહાએ તેમના છૂટાછેડાના સમાચારને નકારી કાઢ્યા છે. તેમણે એબીપીને જણાવ્યું કે આ આખો મામલો ઉપજાવી કાઢવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. હું હંમેશા ગોવિંદા સાથે રહું છું અને એવું કંઈ નથી. સુનિતાએ ઇન્ટરવ્યુ આપ્યો હશે અને કોઈએ તેની વાત તોડી-મરોડીને રજૂ કરી હશે, તેથી જ આવા સમાચાર આવ્યા છે.

સુનિતાનો ઇન્ટરવ્યુ શું હતો?

તાજેતરમાં સુનિતાએ કહ્યું હતું કે ગોવિંદા અને હું એક જ છત નીચે રહેતા નથી. તેણીએ કહ્યું કે તે તેના બાળકો સાથે ગોવિંદાના એપાર્ટમેન્ટની સામેના બંગલામાં રહે છે. તેણે એમ પણ કહ્યું કે ગોવિંદા ખૂબ જ વ્યસ્ત હોવાથી આવું થયું. તે ઘણીવાર રાત્રે આવે છે.