પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAPની પ્રથમ યાદી જાહેર : ભગવંત માન ધુરીથી લડશે

પંજાબ : આગામી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં મુખ્યમંત્રી ભગવંત માનને તેમની પરંપરાગત બેઠક ધુરી (Dhuri) પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ નેતા સંજીવ અરોરાને લુધિયાણા વેસ્ટ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.આપ દ્વારા જાહેર કરાયેલી આ પહેલી યાદીમાં પક્ષે ૩૭ થી ૪૦ જેટલા વર્તમાન ધારાસભ્યો (MLAs) પર ફરીથી ભરોસો મૂકીને તેમને રિપીટ કર્યા છે. મુખ્યમંત્રી ભગવંત માને ૨૦૨૨ની ચૂંટણીમાં ધુરી બેઠક પરથી જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો અને પાર્ટીના કાર્યો તેમજ ‘માન દા મુનાફા’ અભિયાન અંતર્ગત તેઓ ફરીથી અહીંથી ચૂંટણી લડવા માટે તૈયાર છે.

આ સિવાય, લુધિયાણા વેસ્ટથી ચૂંટણી લડનાર સંજીવ અરોરા હાલમાં કાનૂની મુશ્કેલીઓ અને ઇડી (ED) ની તપાસના કારણે કસ્ટડીમાં હોવા છતાં પાર્ટીએ તેમની ઉમેદવારી યથાવત રાખી છે, જેનાથી પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.