નવી દિલ્હીઃ ઈન્ડિયા બ્લોક દ્વારા નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રતીકાત્મક જાહેર ‘ઇમ્પિચમેન્ટ’ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં વિપક્ષની લગભગ 21 પાર્ટીઓ સામેલ થશે. આ કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે. તેનું આયોજન સંસદની કાર્યવાહી જેવું કરવામાં આવશે.
લોકસભાનાં પૂર્વ અધ્યક્ષ મીરા કુમાર સમગ્ર કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રસ્તાવ રજૂ કરશે. અલગ-અલગ પક્ષોના લગભગ 30 વક્તાઓ આ કાર્યક્રમને સંબોધિત કરે તેવી શક્યતા છે. રાહુલ ગાંધી કાર્યક્રમના અંતમાં પોતાનો પક્ષ રજૂ કરશે. વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી રહ્યો છે. મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને કથિત ચૂંટણી ગેરરીતિઓને લઈને વિપક્ષ આ વિરોધ કરી રહ્યો છે.
આ કાર્યક્રમ અગાઉ શુક્રવારે યોજાવાનો હતો, પરંતુ દિલ્હીમાં ભારે વરસાદને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે પહેલી નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી ઈન્ડિયા બ્લોકની રેલી પહેલાં આ કાર્યક્રમ એક પ્રકારના ‘કર્ટન રેઝર’ તરીકે પણ કામ કરશે.
News Alert! Kharge reads ‘charges’ against CEC Kumar at symbolic “public impeachment”, says he is guilty if centralising control of electoral rolls.
— Press Trust of India (@PTI_News) October 31, 2026
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઈન્ડિયા બ્લોક દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જાહેર ‘ઇમ્પિચમેન્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ આ કાર્યક્રમમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. લોકસભાનાં પૂર્વ અધ્યક્ષ મીરા કુમાર કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહ્યાં છે.

રાહુલ ગાંધી પણ પહોંચ્યા
દિલ્હીમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા છે. ઈન્ડિયા બ્લોક દ્વારા ટૂંક સમયમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જાહેર ‘ઇમ્પિચમેન્ટ’ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાઓ અને સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ પોતાના વિચારો રજૂ કરશે. મીરા કુમારે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં એવા નાગરિકોને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે, જેમનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.




