દહેરાદૂનઃ ઉત્તરાખંડની ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબમાં આ વર્ષે શ્રદ્ધાળુઓની ભીડે નવા રેકોર્ડ બનાવ્યા છે. અહેવાલ મુજબ દહેરાદૂનમાં આવેલી બિનનફાકારક સંસ્થા એસડીસી ફાઉન્ડેશનના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે વર્ષ 2026માં 65.65 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ ધાર્મિક સ્થળોનાં દર્શન કર્યાં છે, જે ગયા વર્ષની સરખામણીએ 29 ટકા વધુ છે.
જોકે, શ્રદ્ધાળુઓની વધતી ભીડની સાથે મૃત્યુના આંકડામાં 63 ટકાનો મોટો વધારો થતાં વહીવટી તંત્રની ચિંતા વધી છે. રાજ્ય સરકારના દૈનિક બુલેટિનના આધારે એસડીસી ફાઉન્ડેશનના પ્રવીણ ઉપ્રેતી અને સંસ્થાના સ્થાપક અનુપ નૌટિયાલે આ આંકડાઓ તૈયાર કર્યા છે. આ વિશ્લેષણ અનુસાર આ વર્ષે કુલ 65,65,197 શ્રદ્ધાળુઓ પાંચેય ધામ પહોંચ્યા હતા, જ્યારે 2025માં આ સંખ્યા 51,07,346 હતી. એટલે કે ગયા વર્ષની સરખામણીએ 14,57,851 શ્રદ્ધાળુઓનો વધારો થયો છે.
બદરીનાથમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
આ વર્ષે પાંચેય ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે, જોકે દરેક સ્થળે વધારાનો દર અલગ-અલગ રહ્યો છે. બદરીનાથ અને હેમકુંડ સાહિબમાં સૌથી વધુ 42 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે કેદારનાથમાં સૌથી ઓછો નવ ટકાનો વધારો થયો છે.
- બદરીનાથ: 23,49,345 શ્રદ્ધાળુઓ (42 ટકાનો વધારો)
- કેદારનાથ: 19,33,138 શ્રદ્ધાળુઓ (નવ ટકાનો વધારો)
- ગંગોત્રી: 10,07,177 શ્રદ્ધાળુઓ (33 ટકાનો વધારો)
- યમુનોત્રી: 8,84,841 શ્રદ્ધાળુઓ (37 ટકાનો વધારો)
- હેમકુંડ સાહિબ: 3,90,696 શ્રદ્ધાળુઓ (42 ટકાનો વધારો)
આરોગ્ય સંબંધિત કારણોસર થતાં મૃત્યુમાં 81 ટકાનો વધારો
વિશ્લેષણ અનુસાર યાત્રા દરમિયાન જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 2025માં 182 હતી, જે આ વર્ષે વધીને 297 થઈ છે. આમાંથી મોટા ભાગનાં મૃત્યુ કુદરતી અને આરોગ્ય સંબંધિત કારણોસર થયાં છે. આવા મૃત્યુના આંકડામાં 81 ટકાનો મોટો વધારો થયો છે અને સંખ્યા 159થી વધીને 288 થઈ છે. અનુપ નૌટિયાલે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આરોગ્ય સંબંધિત કારણોસર થતાં મૃત્યુમાં 81 ટકાનો વધારો યાત્રાની સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થાઓની વ્યાપક સમીક્ષાની માગ કરે છે.
વાહનોની અવરજવરમાં 30 ટકાનો વધારો
શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારા સાથે યાત્રાના માર્ગો પર વાહનોનું દબાણ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. 14 નવેમ્બર સુધીના આંકડા અનુસાર યાત્રા માર્ગો પર વાહનોની અવરજવરમાં 30 ટકાથી વધુનો વધારો થયો છે. વર્ષ 2025માં જ્યાં 5,14,016 વાહનો નોંધાયાં હતાં, ત્યાં આ વર્ષે આ સંખ્યા વધીને 6,68,877 થઈ છે.





