‘રામ પ્રત્યેનો તેમનો પ્રેમ બિઝનેસ છે’, જાવેદ અખ્તરના નિવેદન પર ભડક્યા મૌલાના

દિગ્ગજ ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે ભગવાન રામ અંગે આપેલા નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં જાવેદ અખ્તર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે જાવેદ અખ્તરનો ભગવાન રામ પ્રત્યેનો પ્રેમ આસ્થા નહીં, પરંતુ વ્યાવસાયિક હિતો સાથે જોડાયેલો છે.

મૌલાના સાજિદ રશીદીએ શું કહ્યું?

IANS દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં મૌલાના સાજિદ રશીદીએ કહ્યું કે,’જાવેદ અખ્તર નાસ્તિક વ્યક્તિ છે. તેઓ અનેક જાહેર મંચો પર કહી ચૂક્યા છે કે તેઓ કોઈ દેવી-દેવતા કે ખુદામાં માનતા નથી. મુફ્તી શમાઈલ નદવી સાથેના એક કાર્યક્રમમાં પણ તેમણે ઈશ્વરના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો.’

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે જાવેદ અખ્તર બોલિવૂડમાં પોતાનાં ગીતો વેચવા અને વ્યાવસાયિક હિતોને ધ્યાનમાં રાખીને ભગવાન રામ વિશે આવી વાતો કરી રહ્યા છે. તેમના મતે, દેશમાં હિન્દુઓની મોટી વસ્તી હોવાથી તેમની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આવાં નિવેદનો આપવામાં આવી રહ્યાં છે.

મૌલાના સાજિદ રશીદી અહીં જ અટક્યા નહોતા. તેમણે જાવેદ અખ્તરને ઘરવાપસી કરવાની સલાહ આપતાં કહ્યું કે, તેમણે પોતાનું નામ બદલીને ‘રામ પાલ’ રાખી લેવું જોઈએ. તેનાથી દેશના હિન્દુઓ વધુ ખુશ થશે.

જાવેદ અખ્તરે ભગવાન રામ વિશે શું કહ્યું હતું?

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જાવેદ અખ્તરે ભગવાન રામના વ્યક્તિત્વ અને તેમના આદર્શો વિશે વાત કરતાં કહ્યું હતું કે, રામનું મહત્વ કોઈ એક ધર્મ સુધી સીમિત નથી. તેમનો સાર દરેક ભારતીયની રગોમાં છે, પછી ભલે તેનો ધર્મ કોઈ પણ હોય. તેમણે રામને માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ આદર્શ, નૈતિકતા અને જીવન જીવવાની રીત ગણાવી હતી.