રામ માત્ર વ્યક્તિ નહીં, જીવન જીવવાની રીત છે: જાવેદ અખ્તર

રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે દિગ્ગજ ગીતકાર અને લેખક જાવેદ અખ્તરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ભગવાન રામના વ્યક્તિત્વ અને તેમના આદર્શોની પ્રશંસા કરતાં કહ્યું કે,’રામ દરેક ભારતીયના લોહીમાં છે, પછી ભલે તેનો ધર્મ કોઈ પણ હોય.’ તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

મંગળવારે ઇન્ડિયન પરફોર્મિંગ રાઇટ સોસાયટી (IPRS)ના મ્યુઝિક ક્રિએટર્સ રિપોર્ટના લોન્ચિંગ દરમિયાન જાવેદ અખ્તરે નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, પરંતુ તેમની દીકરી અને ફિલ્મમેકર ઝોયા અખ્તરે ફિલ્મ જોઈ છે અને તેની પ્રશંસા કરી છે.

ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં જાવેદ અખ્તરે કહ્યું કે,’મેં હજુ સુધી ફિલ્મ જોઈ નથી. મારી દીકરી ઝોયાએ ફિલ્મ જોઈ છે અને તેણે તેની ખૂબ પ્રશંસા કરી હતી. તે કોઈ વસ્તુની પ્રશંસા બહુ મુશ્કેલીથી કરે છે.’

‘રામાયણ’ના સંગીત અને ગીતો અંગે શું કહ્યું?

ફિલ્મના સંગીત અંગે પૂછવામાં આવતાં જાવેદ અખ્તરે પોતાના લેખનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘તેનું સીધું કારણ એ છે કે હું એક સારો લેખક છું. મારી લખેલી પંક્તિઓ લોકોના દિલને સ્પર્શે છે.’

‘રામ માત્ર વ્યક્તિ નહીં, જીવન જીવવાની રીત છે’

ભગવાન રામના મહત્વ વિશે વાત કરતાં જાવેદ અખ્તરે કહ્યું કે, ‘રામ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ એક આદર્શ, નૈતિકતા અને જીવન જીવવાની રીત છે. તેઓ સુંદરતા અને નૈતિકતાનું પ્રતીક છે. રામ દરેક ભારતીયના લોહીમાં છે. કદાચ મારી આ વાતથી કેટલાક લોકો નારાજ થાય, પરંતુ ધર્મ ગમે તે હોય, દરેક ભારતીયના લોહીમાં રામનો સાર રહેલો છે.’