રશિયામાં મોટો આતંકી હુમલો, 9 લોકોના મોત

રશિયાના દાગેસ્તાન વિસ્તારના બે શહેરોમાં મોટો આતંકી હુમલો થયો છે. સ્થાનિક પોલીસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દાગેસ્તાન અને મખાચકલાના દક્ષિણી રશિયન પ્રદેશોમાં બે ચર્ચ અને પ્રાર્થના ગૃહ પર હુમલો કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ 40થી વધુ લોકોને બંધક બનાવ્યા છે, એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 14 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓ હજુ પણ મૃતકો વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.

રશિયન નેશનલ ગાર્ડે ચાર્જ સંભાળ્યો

હાલમાં રશિયન નેશનલ ગાર્ડે ચાર્જ સંભાળી લીધો છે. આતંકી એક ઘરમાં છુપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ચેચન્યાના વડા રમઝાન કાદિરોવે કહ્યું કે આતંકવાદીઓને સ્થળ પર જ ખતમ કરી દેવા જોઈએ, તેમનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા નથી.

પ્રાર્થના ગૃહમાં આગ

તમને જણાવી દઈએ કે પ્રાર્થના ગૃહ અને ચર્ચ બંને દાગેસ્તાનના ડર્બેન્ટ શહેરમાં સ્થિત છે. ઉત્તર કાકેશસનો આ મુખ્યત્વે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, જ્યાં પ્રાચીન યહૂદી સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. આતંકીઓએ દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં પોલીસ ચોકી પર પણ હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે હુમલા બાદ પ્રાર્થના ગૃહમાં આગ લાગી હતી.

બે આતંકવાદીઓને ઠાર કર્યા

રશિયન સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જોકે, હુમલાખોરો પ્રથમ કારમાં નાસી જતા જોવા મળ્યા હતા. દાગેસ્તાનના વડા સર્ગેઈ મેલિકોવે જણાવ્યું હતું કે અજાણ્યા હુમલાખોરોએ રવિવારે રાત્રે ડર્બેન્ટ અને મખાચકલામાં પરિસ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો.