ભારત–અમેરિકા વચ્ચે સંરક્ષણ સહકારનો ઐતિહાસિક સોદો

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના ડિફેંસ સેક્રેટરી પીટ હેગસેથએ શુક્રવારે ક્વાલાલંપુરમાં અમેરિકા–ભારત મહત્વપૂર્ણ રક્ષા ભાગીદારીની રૂપરેખા પર કરારનું આદાન–પ્રદાન કર્યું હતું, જેને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંરક્ષણ સહકારને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.

આ ઘટના ત્યારે બની છે જ્યારે અમેરિકાએ ભારત સાથે 10 વર્ષના સંરક્ષણ ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે બંને દેશોમાં વધતી વ્યૂહાત્મક નજીકતાને દર્શાવે છે. આ ઘટના અંગે જાહેરાત કરતાં અમેરિકાના ડિફેંસ સેક્રેટરી પીટ હેગસેથે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો પહેલાં ક્યારેય આટલા મજબૂત નથી રહ્યા.

હેગસેથે X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી અને નવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ કરાર ભારત–અમેરિકા સંરક્ષણ ભાગીદારીને આગળ વધારશે અને તેને પ્રાદેશિક સ્થિરતા અને નિર્વારણનો આધારસ્તંભ જણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે અમે આપણા સમન્વય, માહિતી વહેંચણી અને ટેકનોલોજિકલ સહકારને વધારી રહ્યા છીએ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ 10 વર્ષના કરાર પર હસ્તાક્ષરની પુષ્ટિ કરી અને હેગસેથ સાથેની બેઠકને ફળદાયી ગણાવી.

તેમણે X પરની પોસ્ટમાં લખ્યું હતું કે ક્વાલાલંપુરમાં મારા અમેરિકન સમકક્ષ પીટર હેગસેથ સાથે એક ઉપયોગી બેઠક થઈ હતી અમે 10 વર્ષીય ‘અમેરિકા–ભારત મહત્વપૂર્ણ રક્ષા ભાગીદારીની રૂપરેખા’ પર હસ્તાક્ષર કર્યા છે. આ અમારી પહેલેથી જ મજબૂત રક્ષા ભાગીદારીમાં એક નવા યુગની શરૂઆત કરશે. સિંહે આગળ જણાવ્યું હતું કે સંરક્ષણ ફ્રેમવર્ક ભારત–અમેરિકા રક્ષા સંબંધોના સમગ્ર પરિમાણને નીતિગત દિશા પ્રદાન કરશે.