થોળ અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી

અમદાવાદ : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને એના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યો છે. આ વિશાળ માનવ સર્જિત કૃત્રિમ તળાવમાં શિયાળાની ઋતુમાં દેશ અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે. જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. તારીખ 27 અને 28 જાન્યુઆરી દરમિયાન થોળ તળાવના અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ બંધી હતી. સમગ્ર પક્ષી અભયારણ્યમાં પ્રવેશબંધી કર્યા પછી પક્ષીઓની વિવિધ જાતિઓની ગણતરી કરવામાં આવી હતી.

અભયારણ્યમાં 50000 પક્ષીઓ છે

થોળ રેન્જ પર ફરજ બજાતા અધિકારી એસ.કે. પટેલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે અભ્યારણ્યમાં પક્ષી ગણતરી કરતી વખતે આઠ ઝોન પાડવામાં આવ્યા હતા. જેમાં એકદમ નિષ્ણાત પક્ષીવિદોએ ભાગ લીધો હતો. 69 જેટલા પક્ષીવિદોએ જુદી જુદી પધ્ધતિ દ્વારા અંદાજે 50000 પક્ષીઓ હોવાનું તારણ કાઢ્યુ હતું. હજુ પણ ઝોન પ્રમાણે ડેટા ભેગો કરી કેટલા, કેવા અને ક્યા પક્ષીઓ છે તેના વિશે તારણો કાઢવામાં આવશે.

આ તળાવ 1912માં બનાવવામાં આવ્યું હતું

સૌથી મહત્ત્વની વાત એ છે કે કલોલ અને અમદાવાદ શહેર નજીક આવેલું થોળ ગામ પાસેનું આ કૃત્રિમ તળાવ છે. જેને સિંચાઇ માટે 1912માં બનાવવામાં આવ્યું હતું. આ મીઠા પાણીનું વિશાળ તળાવ છે. ઈ.સ. 1988માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 150 જાતિઓના પક્ષીઓ રહે છે. જેમાં 60 ટકા પાણીના પક્ષીઓ છે. ઘણાં સ્થળાંતર કરતા પક્ષીઓ અહીં આવીને માળો બનાવીને ઇંડા પણ મુકે છે. આ વિસ્તારમાં સુરખાબ અને સારસ પક્ષીઓમાં મુખ્ય અને મહત્વના છે. આ વિસ્તારના પર્યાવરણને 1986ના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે.

પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર અને થોળ તળાવ જોવા લાયક છે

આ તળાવનું બાંધકામ 1912માં ગાયકવાડ શાસન વડે સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે થયું હતું. હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઇ એમ બંને વિભાગો હેઠળ થાય છે. તળાવની સંગ્રહ ક્ષમતા 840 લાખ ક્યુબિક મીટર ‍‍છે તથા તેના પાણીનો વિસ્તાર 699 હેક્ટર (1730 એકર) છે. તળાવના કાંઠાનો વિસ્તાર 5.62 કિમી છે. જેમાં પાણી છીછરું છે. અમદાવાદ શહેરના પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર અને થોળ તળાવ એકદમ નજીકના સ્થળો છે. જેમાં વિવિધ જાતિના નાના મોટા પક્ષીઓ તેમજ નીલ ગાય- રોઝડાં, શીયાળ, કાળિયાર જેવાં અનેક પ્રાણીઓ જોવા મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)