આજે વાત કરીશું અમદાવાદના એવા દિવ્યાંગ યુવાનની કે જેણે શહેરને ગૌરવ અપાવ્યું છે. 17 વર્ષીય દિવ્યાંગ ઓમ વ્યાસ કે જે લખી કે વાંચી શકતો નથી તથા પોતાની દૈનિક દિનચર્યા પણ જાતે કરી શકતો નથી. પરંતુ કુદરતી બક્ષિસના કારણે ઓમ સાંભળીને સંસ્કૃતના અનેક શ્લોકો બોલી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઓમને સંસ્કૃતના હજારો શ્લોકો મોઢે કંઠસ્થ છે.
આયોધ્યા ખાતે 22 જાન્યુઆરીએ આયોજિત થનારા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે યોજાયેલ રામકથાના ભાગરૂપે સમગ્ર દેશભરમાંથી 75 જેટલા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ દિવ્યાંગ લોકોમાં ઈશ્વરે ભેટ રૂપે આપલી કંઇક ને કંઇક ખૂબીઓ સમાયેલી હતી. વિવિધ ક્ષેત્રમાં નિપુણતા કેળવેલા આ દિવ્યાંગ યુવાનોએ સુંદર પરફોર્મન્સ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
જેમાં અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે રામરક્ષા સ્ત્રોત સુંદર રીતે કંઠસ્થ કર્યા હતા. ઓમના આ પરફોર્મન્સથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઓમના આ ટેલેન્ટના કારણે રામાનંદ મિશનના સંસ્થાપક પદ્મવિભૂષણ જગદગુરુ રામાનન્દાચાર્યજી મહારાજ દ્વારા 15 જાન્યુઆરીના રોજ યોજાયેલ રામકથામાં રામરક્ષા શ્લોકનું કઠન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે અત્યાર સુધી 400થી પણ વધુ શો કર્યા છે જેમાં કાંકરિયા કાર્નિવલ, નવરાત્રી, ભાદરવી પૂનમ અંબાજી ખાતે, સોમનાથ મંદિર ખાતે જેવી અનેક ખ્યાતનામ જગ્યાએ પરફોર્મન્સ કર્યા છે. ઓમને અનેક વાર એવોર્ડ્સ, મેડલ્સ, ટ્રોફી, સર્ટિફિકેટ થી સન્માનિત કરવામાં આવ્યો છે. ઓમના આ ટેલેન્ટના કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ, ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડસ જેવી અલગ અલગ 18 બુક્સમાં નામ નોમીનેટ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમ વ્યાસને 2017માં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા ‘નેશનલ એવોર્ડ’ એનાયત કરાયો હતો.
