સસ્પેન્શનના એક દિવસ પછી કે. કવિતાએ છોડી BRS

હૈદરાબાદઃ BRS દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા પછીના એક દિવસમાં KCRની પુત્રી કે. કવિતાએ MLC પદેથી રાજીનામું આપી દીધું અને પાર્ટી છોડી દીધી. પિતા અને ભાઈ સાથેના સંબંધોને લગતા સવાલ પર કે. કવિતાએ હૈદરાબાદમાં કહ્યું હતું કે આલોચકો ઈચ્છે છે કે અમારું કુટુંબ તૂટી જાય.

તેમણે પોતાના સસ્પેન્ડને સંપૂર્ણ BRSને નિયંત્રિત કરવાની કાવતરાનો ભાગ ગણાવ્યો અને પિતાને આસપાસ થઈ રહેલી પ્રવૃત્તિઓ પર નજર રાખવા કહ્યું હતું. કે. કવિતાએ એ પણ જણાવ્યું કે તિહાર જેલમાંથી છૂટ્યા બાદથી તેઓ વિવિધ મુદ્દાઓ માટે લડી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે જ્યારે મારા વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અભિયાન ચલાવવામાં આવ્યું ત્યારે ભાઈ રામા રાવે મને ટેકો નહોતો આપ્યો.

ભાઈ રામા રાવને ચેતવણી

કે. કવિતાએ સગા હરિશ રાવ અને સંતોષ સામે તીવ્ર હુમલો કરતાં ભાઈ રામા રાવને ચેતવણી આપી હતી કે તેઓ તેમના શુભચિંતક નથી. હરીશ રાવ અને સંતોષ રાવના ભ્રષ્ટાચારને કારણે KCR વિરુદ્ધ CBI તપાસ ચાલી રહી છે, તેઓ વિશ્વાસ કરવા યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે હરીશ અને અન્ય લોકો કોંગ્રેસ–BJP સાથે મળી કામ કરી રહ્યા છે અને BRSને નુકસાન પહોંચાડી રહ્યા છે.

કોંગ્રેસ સરકારે અગાઉની BRS સરકાર દરમિયાન બનેલી કાળેશ્વરમ યોજનામાં થયેલી ગેરરીતિઓની CBI તપાસની જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં કવિતાએ સોમવારે કહ્યું હતું કે KCRના કેટલાક નજીકના લોકોએ તેમના નામનો ઉપયોગ કરીને અનેક રીતે લાભ લીધો છે અને તેમનાં ખોટાં કાર્યોને કારણે તેમને બદનામ કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કાળેશ્વરમ પ્રોજેક્ટ મામલે KCR પર ભ્રષ્ટાચારનો ડાઘ લાગવા માટે હરીશ રાવ અને સંતોષ કુમાર જવાબદાર છે. કવિતાએ દાવો કર્યો કે હરિશ રાવ અને સંતોષ કુમાર પાછળ CM એ. રેવન્ત રેડ્ડીનો હાથ છે.

KCR કુટુંબે જાહેર નાણાંની લૂંટ કરીઃ  કોંગ્રેસ

કવિતાના સસ્પેન્ડ પર પ્રદેશકોંગ્રેસ પ્રમુખ બોમ્મા મહેશ કુમાર ગૌડે આક્ષેપ કર્યો કે સમગ્ર KCR કુટુંબે જાહેર નાણાંની લૂંટ કરી છે.