મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના નેતા અને નૈનીતાલ સ્થિત ઉત્તરાખંડ કોઓપરેટિવ મિલ્ક યુનિયન લિમિટેડના પ્રશાસક મુકેશ બોરા અને તેના ડ્રાઈવર વિરુદ્ધ નોકરી અપાવવાના બહાને એક વિધવા પર બળાત્કાર કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. સોમવારે આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે મહિલાની ફરિયાદના આધારે બોરા અને તેના ડ્રાઈવર કમલ બેલવાલ વિરુદ્ધ બળાત્કાર અને ધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા બોરાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
બોરાએ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી
નૈનીતાલના એસએસપી પ્રહલાદ નારાયણ મીણાએ કહ્યું,’એક મહિલાએ લાલકુઆન પોલીસ સ્ટેશનમાં મુકેશ બોરા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. હકીકત સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’ પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા 3 વર્ષથી બોરાએ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેને ધમકી આપી હતી કે જો તે આ અંગે વાંધો ઉઠાવશે અથવા તો આ અંગ કોઈને જાણ કરશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.
કાયમી કર્મચારી બનાવવાના બહાને બળાત્કાર ગુજાર્યો
ફરિયાદમાં જણાવાયું છે કે બોરાના ડ્રાઇવરે પણ વિધવા પર બળાત્કાર કર્યો હતો અને તેને ધમકી આપી હતી. મહિલાએ આપેલી ફરિયાદ મુજબ જ્યારે તે તેના પતિના મૃત્યુ પછી 2021 માં લાલકુઆન પહોંચી, ત્યારે બોરાએ તેને આઉટસોર્સિંગ દ્વારા દૈનિક વેતન પર સહકારી સંસ્થામાં નોકરી અપાવી હતી. મહિલાના જણાવ્યા મુજબ થોડા દિવસો પછી તેણીને કાયમી કર્મચારી બનાવવાના બહાને બોરાએ તેણીને હોટલના રૂમમાં બોલાવી અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.
મહિલા અને બાળકોને મારી નાખવાની ધમકી
મહિલાની ફરિયાદ અનુસાર બોરાએ તેને ધમકી આપી હતી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તેને નોકરી ગુમાવવી પડશે. બોરાએ મહિલાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપીને તેનું શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાએ એવો પણ આરોપ મૂક્યો હતો કે બોરાએ તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું અને જ્યારે તેણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેણે તેને અને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.
લાલકુઆનના સીઓએ પીડિતાનું નિવેદન નોંધ્યું
મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આરોપીના ડ્રાઈવરે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. લાલકુઆં પોલીસ વિસ્તાર અધિકારી સંગીતાએ પીડિતાનું નિવેદન નોંધ્યું અને બોરા અને બેલવાલ વિરુદ્ધ કેસ નોંધ્યો. મીણાએ કહ્યું કે તપાસમાં જે તથ્યો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.