ભારત પર લાગશે 50 ટકા ટેરિફઃ USએ જાહેર કર્યું નોટિફિકેશન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર ટેરિફને 50 ટકા સુધી વધારવાની જાહેરાત બાદ અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને (CBPએ) ભારતમાંથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના શૂલ્કના અમલીકરણ અંગે એક ડ્રાફ્ટ નોટિસ બહાર પાડવામાં આવી છે.

આ નોટિસ મુજબ વધારાના ટેરિફ રાષ્ટ્રપતિના 6 ઓગસ્ટ, 2025ના એક્ઝિક્યુટિવ ઓર્ડરને અમલમાં મૂકવા માટે લગાવવામાં આવી રહ્યો છે, જેનું શીર્ષક છે — રશિયન ફેડરેશનની સરકાર દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ માટે ઊભા થયેલા ખતરાઓને પહોંચી વળવા.

આ આદેશમાં ભારતમાંથી આવનારા માલસામાન પર નવા શૂલ્કની દરખાસ્ત નક્કી કરવામાં આવી છે. 27 ઓગસ્ટ, 2025એ પ્રકાશિત થનાર ડ્રાફ્ટ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે હોમલેન્ડ સિક્યોરિટી સચિવે એક્ઝિક્યુટિવ ઓર્ડરના અનુસંધાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ હાર્મોનાઇઝ્ડ ટેરિફ શેડ્યૂલ (HTSUS) માં સુધારો જરૂરી ગણ્યો છે.CBPએ આગળ સ્પષ્ટ કર્યું છે કે નવા શૂલ્ક 27 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. એ દિવસે સવારે 12:01 વાગ્યાથી વધારાના ટેરિફ ભારતનાં તમામ ઉત્પાદનો પર લાગુ પડશે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં વપરાશ માટે લાવવામાં આવ્યા છે અથવા વપરાશ માટે ગોડાઉનમાંથી બહાર પાડવામાં આવ્યાં છે.

આ પહેલાં, 30 જુલાઈએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે યાદ રાખો, ભારત આપણો મિત્ર છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે તેમના સાથે તુલનાત્મક રીતે ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે દુનિયામાં સૌથી વધારે છે. PM મોદીએ 27 ઓગસ્ટથી લાગુ થનારા ભારતીય માલસામાન પર 50 ટકા અમેરિકન ટેરિફ પહેલાં સોમવારે પોતાનું મજબૂત વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે તેમની સરકાર આર્થિક દબાણની પરવા કર્યા વિના રસ્તો કાઢી લેશે.