ગાઝા હુમલામાં અલ જઝીરાના પાંચ પત્રકારોનાં મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલ સતત ગાઝા પટ્ટી પર હુમલો કરી રહ્યું છે. ઇઝરાયેલી હુમલામાં અલ જઝીરા ન્યૂઝ ચેનલના પાંચ પત્રકારો માર્યા ગયા હોવાની પુષ્ટિ ખુદ અલ જઝીરાએ કરી છે. ગાઝા શહેરના અલ-શિફા હોસ્પિટલની નજીક ઇઝરાયેલી હુમલામાં આ પાંચ પત્રકારો માર્યા ગયા હતા.

મૃત પત્રકારોમાં અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફ અને મહમ્મદ કારીકેહ તેમ જ કેમેરામેન ઇબ્રાહિમ જહીર, મોઆમેન અલીવા અને મહમ્મદ નૌફલનો સમાવેશ થાય છે. અલ જઝીરાએ જણાવ્યું કે તેઓ અલ-શિફા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર પ્રેસ માટે લગાવેલા એક તંબુમાં રહેતા હતા. ઇઝરાયેલી સેનાએ એ જ તંબુને નિશાન બનાવી હુમલો કર્યો હતો અને પાંચ પત્રકારોને મારી નાખ્યા હતા.

પત્રકાર હોવાનું નાટક કરત હતાઃ  ઇઝરાયેલ

આ હુમલા બાદ તરત જ ઇઝરાયેલી સેનાએ એક નિવેદનમાં અનસ અલ-શરીફને નિશાન બનાવ્યાની વાત સ્વીકારી હતી. એ સાથે જ ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો કે અલ-શરીફ પત્રકાર હોવાનું નાટક કરતો હતો અને તે હમાસ સાથે હતો. ઇઝરાયેલે અલ જઝીરાના પત્રકારને આતંકવાદી જાહેર કરતાં કહ્યું હતું કે તે હમાસની એક આતંકવાદી સેલનો વડો હતો.

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ જણાવ્યું હતું કે હમાસ આતંકવાદી અનસ અલ-શરીફ, જે પોતાને અલ જઝીરાનો પત્રકાર કહેતો હતો, હમાસના એક આતંકવાદી જૂથનો વડો હતો અને તેણે ઇઝરાયેલી નાગરિકો અને IDF સૈનિકો પર રોકેટ હુમલા કર્યા હતા.

IDF એ કહ્યું હતું કે ગાઝામાંથી મળેલી ગુપ્તચર માહિતી અને દસ્તાવેજો – જેમાં રોસ્ટર, આતંકવાદી તાલીમ યાદીઓ અને પગારના રેકોર્ડનો સમાવેશ થાય છે – એ બધું સાબિત કરે છે કે તે અલ જઝીરા સાથે જોડાયેલો હમાસ કાર્યકર હતો. પ્રેસનો બેજ આતંકવાદ માટે ઢાલ બની શકતો નથી.