અમદાવાદ: શહેરના મ્યુનિસિપલ તંત્ર દ્વારા દર વર્ષે એક હજાર કરોડની રકમ રોડની કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં દર વર્ષે ચોમાસામાં ભુવા પડવાની ઘટના બને છે. આ વર્ષે અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારમાં ૩૪ ભુવા પડયા છે. ચાર વર્ષમાં શહેરમાં કુલ ૩૧૯ ભુવાના સમારકામ પાછળ રુપિયા ૪૮ કરોડનો ખર્ચ કરાયો છે. એક ભુવાના સમારકામ પાછળ રુપિયા ૧૫થી ૨૦ લાખનો ખર્ચ થતો હોય છે.શહેરના ૪૮ વોર્ડ વિસ્તારમાં આવેલા રસ્તાઓ રિસરફેસ કરવા ઉપરાંત નવા રસ્તા બનાવવા તેમજ રોડ ઉપર પડેલા ખાડાને પેચવર્ક કરવા સહિતની કામગીરી કરાવવા રુપિયા એક હજાર કરોડનો ખર્ચ કર્યા પછી પણ લોકોને સારા રસ્તા મળી શકતા નથી. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાએ આક્ષેપ કરતાં કહયું, “થોડા સમય અગાઉ રુપિયા ૬૦૦ કરોડના રોડના કામ આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ નામના એક જ કોન્ટ્રાકટરને ભાવ વધારો કરીને આપવામા આવેલા છે.આમ છતાં દર વર્ષે રોડ ઉપર ભુવા પડવાની ઘટના અટકતી નથી. તંત્ર અને શાસકપક્ષની બેદરકારીના કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે.”