દિલ્હીમાં ત્રણ વાગ્યા સુધી 46.55 ટકા મતદાનઃ સીલમપુરમાં ભારે હંગામો

નવી દિલ્હીઃ દિલ્હીમાં 70 વિધાનસભા સીટો પર બપોરે ત્રણ વાગ્યા સુધી 46.55 ટકા મતદાન થયું છે. દિલ્હીમાં ઉત્તર પૂર્વ જિલ્લાની સીટો પર મતદારો સૌથી વધુ જોશમાં નજરે ચઢ્યા છે. અહીં મુસ્લિમ બહુમતી વિસ્તારમાં અત્યાર સુધી સૌથી વધુ 56.12 ટકા મતદાન થયું છે. સીલમપુરમાં 54.29 ટકા મતદાન થયું છે.

 દિલ્હીના સીલમપુરમાં ફેક મતદાનના આરોપોને લઈને જબરદસ્ત હંગામો થયો છે. સીલમપુરમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે અથડામણ થઈ છે. ભાજપના નેતાઓ અનુસાર અનેક કેસો સામે આવ્યા છે, જેમાં બુરખા પહેરીને મહિલાઓએ મતદાન કેન્દ્રો પર છેતરપિંડીથી નકલી મત નાખ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો કે ચૂંટણીપ્રક્રિયામાં હેરાફેરી કરવામાં આવી રહી છે.ભાજપે ચૂંટણી પંચથી ફેક મતદાન અટકાવવાન માગ કરી છે. જોકે મતદાન અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું કે કોઈ પણ પ્રકારની અનિયમિતતાને અટકાવવા માટે આવશ્યક ખરાઈના ઉપાય કરવામાં આવ્યા છે. અધિકારીઓએ અત્યાર સુધી આરોપોનો જવાબ નથી આપ્યો.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, LG વીકે સક્સેના, વિદેશ મંત્રી એસ જયશંકર, મુખ્યમંત્રી આતિશી અને રાહુલ ગાંધીએ મતદાન કર્યું છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ તેમની માતા સોનિયા, પતિ અને પુત્ર સાથે મતદાન કર્યું. અરવિંદ કેજરીવાલ પોતાના માતા-પિતાને વ્હીલચેર પર બેસાડીને મતદાન કરવા પહોંચ્યા હતા.

આ પહેલાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બપોરે એક વાગ્યા સુધી 33.31 ટકા મતદાન થયું હતું.જ્યારે 11 વાગ્યા સુધી 19.95 ટકા સરેરાશ મતદાન થયું હતું. દિલ્હીની 70 વિધાનસભા ક્ષેત્રોમાં કડક સુરક્ષાની વચ્ચે મતદાન જારી છે.મતદાન સાંજે છ વાગ્યે પૂરું થશે. દિલ્હીમાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થાય છે. જોકે વર્ષ 2015ની ચૂંટણીમાં દિલ્હીમાં 67.47 ટકા મતદાન થયું હતું.