અમદાવાદ: ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ દ્વારા અમદાવાદ બ્લાઈન્ડ પીપલ અસોસિએશન ખાતે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી AICFB નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ, 2024નું આયોજન મનપસંદ જીમખાના ક્લબ પ્રા. લિ. દ્વારા કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપમાં 16 રાજ્યની 28 ટીમોએ ભાગ લીધો છે.
આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. જેના ઉદઘાટન સમારોહમાં ઇન્ટરનેશનલ ચેસ માસ્ટર માનુષાએ હાજરી આપી હતી અને ખેલાડીઓને ચેસમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી હતી. સાથે જે તેમણે અંધ ખેલાડીઓને મફત કોચિંગની પણ ઓફર કરી છે.
આ પ્રસંગે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડૉ.ભૂષણ પુનાનીએ ગુજરાત ચેસ એસોસિએશનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. જ્યારે ગુજરાત ચેસ એસોસિએશનના સેક્રેટરી વિરલ ત્રિવેદીએ એસોસિએશનની 11 વર્ષની કામગીરી અને પ્રગતિ વિશે વાત કરતા કહ્યું કે 11 વર્ષ પહેલાં માત્ર ચાર આંતરરાષ્ટ્રીય ખેલાડી સંસ્થા સાથે જોડાયેલા હતા જ્યારે આજે તેની સંખ્યા વધીને 60 થઈ ગઈ છે.