રાજ્યમાં બે વર્ષમાં 265 સિંહ, 456 દીપડાનાં મોત

અમદાવાદઃ વન્ય પ્રાણીઓ અને પર્યાવરણની જાળવણી આપણી નૈતિક જવાબદારી છે. ખાસ કરીને એશિયાઈ સિંહો આપણું ગૌરવ છે અને આ ગૌરવવંતા સિંહોને જોવા માટે વિશ્વભરમાંથી પર્યટકો ગીરમાં ફરવા માટે આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીરમાં સિંહને લઈને ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે. પર્યટકોને સિંહ દર્શન કરાવવા માટે ગેરકાયદે લાયન શો યોજવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ઘણી ગીર સફારીમાં પણ સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સરકાર અને વન વિભાગ પણ થોડા ઘણા અંશે એશિયાઇ સિંહો, રમણિય જંગલ તેમજ વારસાને બચાવવા માટે પ્રયત્નશીલ છે અને તેના જ લીધે સિંહોની સંખ્યા વધી છે, પણ સામે હવે છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 265 સિંહ મોત થયાં છે.

રાજ્યના MLA શૈલેશ પરમારના પ્રશ્ન પર સરકારે સિંહનો મૃત્યુઆંક વધ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. રાજ્યમાં સિંહ અને સિંહ બાળનાં મૃત્યુ ચિંતાજનક વધારો નોંધાયો છે. સિંહ અને સિંહ બાળના મૃત્યુઆંક સામે આવ્યા છે. બે વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહબાળનાં મોત થયા છે. 102 સિંહ અને 126 સિંહબાળનાં કુદરતી મૃત્યુ થયાં છે, જ્યારે 41 સિંહ અને 17 સિંહ બાળનાં અકુદરતી મોત થયાં છે. વર્ષ 2023માં 121 સિંહ અને સિંહ બાળનાં મોત થયાં હતાં. વર્ષ 2024માં 165 સિંહ અને સિંહ બાળનાં મોત થયાં છે.

રાજ્યનાં જંગલોમાં મોટી સંખ્યામાં દીપડાઓનો પણ વસવાટ જોવા મળે છે. રાજ્યમાં બે વર્ષમાં 456 દીપડાનાં મોત થયાં છે, જેમાં 201 દીપડા અને 102 બાળ દીપડાના કુદરતી મોત થયાં છે, જ્યારે 115 દીપડા અને 38 બાળ દીપડાનાં અકુદરતી મોત થયાં છે. વર્ષ 2023માં 225 તો વર્ષ 2024માં 231 દીપડાનાં મોત થયાં હતાં.