કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર કમિશનરેટમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં લગભગ 224 પોલીસ કર્મચારીઓ ગાયબ થયા છે. આ પોલીસ કર્મચારીઓ છેલ્લા છ મહિનાથી ડ્યૂટી પર હાજર નથી અને તેમનું કોઈ અસ્તિત્વ પણ મળતું નથી. આ મામલો પ્રકાશમાં આવતાં હડકંપ મચી ગયો છે.
કાનપુર કમિશનરેટમાં નિયુક્ત થયેલા આશરે 224 પોલીસ કર્મચારીઓ તેમની ફરજ પરથી ગાયબ છે. આ પોલીસ કર્મચારીઓ ન તો તેમના વતનમાં છે કે ન તો ઘરે. વધુમાં, તેમના મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યા છે, જેને કારણે તેમનું સ્થળ જાણવું મુશ્કેલ બની રહ્યું છે. આ મામલે પોલીસ વિભાગ તરફથી બે વખત નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જેથી આટલા મોટા પાયે પોલીસ કર્મચારીઓ ગાયબ થવાને મુદ્દે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ માહિતી UP પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચાડવામાં આવી છે.
આ ગાયબ થયેલા 224 કર્મચારીઓમાં 167 પોલીસ કર્મચારીઓ છે અને 57 ટ્રાફિક વિભાગ સાથે જોડાયેલા છે. ઘણા પોલીસ કર્મચારીઓ એવી કુંભની ફરજ બાદથી પરત ફર્યા નથી, કેટલાક મેડિકલ લીવ પર ગયા હતા અને કેટલાક લગ્નને બહાને રજા પર ગયા હતા.
આ લાપતા પોલીસ કર્મચારીઓમાં 109 પુરુષ કોન્સ્ટેબલ, 57 મહિલા કોન્સ્ટેબલ, 34 પુરુષ પોલીસ કર્મચારીઓ અને 24 મહિલા કર્મચારીઓ છે.
આમાંથી 39 પોલીસ કર્મીચારીઓ પોલીસ કાર્યવાહી બાદ ડિસલોકેટ થઇ ગયા છે, 20 કર્મચારી છ મહિનાથી ગેરહાજર છે, 34 રજા લઇને ગયા, પરંતુ પરત નથી ફર્યા અને 27 રજા પછીથી ફરજ પર આવ્યા નથી. આ તમામ પોલીસ કર્મચારીઓઓને વિભાગ દ્વારા બે વખત નોટિસ મોકલવામાં આવી ચૂકી છે, છતાં પણ કોઈ જવાબ મળ્યો નથી.
