ઈરાનના રસ્તાઓ પર એક સાથે 165 વિદ્યાર્થીનીઓની અંતિમયાત્રા નીકળી

અમેરિકા અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગાનના મિનાબ શહેરમાંથી હૃદયવિદારક સમાચાર સામે આવ્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ મિનાબ સ્થિત એક શાળાના પરિસર પર થયેલા હુમલામાં 165 વિદ્યાર્થીનીઓના મોત થયા હોવાનું સત્તાવાર આંકડા દર્શાવે છે. 4 દિવસથી ચાલી રહેલા સંઘર્ષનું આ સૌથી કરુણ દૃશ્ય માનવામાં આવી રહ્યું છે.

આજે મિનાબ શહેરમાં 165 બાળાઓના જનાજા એક સાથે નીકળ્યા. શહેરના મુખ્ય મેદાનમાં અને આસપાસની મસ્જિદોમાં હજારો લોકો એકત્રિત થયા હતા. એકસરખી કતારમાં રાખવામાં આવેલા તાબૂતોને જોઈને આખું શહેર શોકમાં ડૂબી ગયું હતું. સામૂહિક નમાઝ-એ-જનાજા અદા કર્યા બાદ તમામ બાળાઓને દફનાવવામાં આવી.

હુમલો શાળાના કાર્યકાળ દરમિયાન થયો હતો. ઇમારતનો મોટો ભાગ ખંડેરમાં ફેરવાઈ ગયો હતો. બચાવ દળોએ કલાકો સુધી કાટમાળ હટાવવાની કામગીરી કરી. રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ મૃતકોની સંખ્યા 165 જાહેર કરવામાં આવી, જેમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓ પ્રાથમિક કક્ષાની હતી.

 

જનાજાના દિવસે મિનાબ શહેરમાં બજારો બંધ રહ્યા. નાગરિકોએ કાળી પટ્ટી બાંધીને શોક વ્યક્ત કર્યો. અનેક વિસ્તારોમાં શાંતિ યાત્રાઓ યોજાઈ અને મસ્જિદોમાં વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી. સ્થાનિક લોકો સાથે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અંતિમ વિદાય આપવા પહોંચ્યા.

સરકારી સૂત્રો અનુસાર શાળાને તાત્કાલિક રીતે બંધ કરી દેવામાં આવી છે. અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આ ઘટનાએ માત્ર મિનાબ નહીં પરંતુ સમગ્ર દેશને ઝંઝોડીને રાખી દીધો છે.