અમૃતસરઃ પંજાબના અમૃતસર જિલ્લામાં ફરી ઝેરી દારૂએ કાળો કેર વર્તાવ્યો છે. મજિઠા બ્લોકના પાંચ ગામો- થેરવાલ, મર્રી, પાતાલપુરી, ભાંગાલી અને અન્ય એક ગામમાં અત્યાર સુધી ઝેરી દારૂ પીવાથી 14 લોકોનાં મોત થયા છે. જ્યારે છ જણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટા ભાગના મૃતકો ભાંગલી અને મર્રી કલાન ગામના રહેવાસી છે. મજિઠા પોલીસ સ્ટેશનના SHO અવતાર સિંહે જણાવ્યું હતું કે ઝેરી દારૂ પીવાથી 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અમૃતસર ગ્રામીણના SSP મનિન્દર સિંહે જણાવ્યું હતું કે બધી મોતો નકલી અને ઝેરી દારૂના સેવનથી થઈ હતી. દારૂ પીવાના કેટલાક કલાકો પછી લોકોની તબિયત બગડવા લાગી અને મોત થયાં હતાં, પણ ડર અને સામાજિક દબાણને કારણે અનેક પરિવારોએ પોલીસને જાણ કર્યા વગર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જેથી પ્રારંભિક તપાસમાં અડચણો આવી હતી.
પાંચ લોકોની ધરપકડ કરાઈ
SSP મનીન્દર સિંહે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પ્રભજિત સિંહની ધરપકડ કરવામાં આવી છે. જે ઝેરી દારૂ સપ્લાય કરવા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. તેમની સામે એક્સાઇઝ એક્ટની કલમ 105 BNS અને 61A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રભજિતના ભાઈ કુલબીર સિંહ ઉર્ફે જગ્ગુ અને સાહિબ સિંહ ઉર્ફે સરાઈ, ગુરજંત સિંહ, નિંદર કૌરની પણ ધરપકડ કરવામાં આવી છે.’
સરકારે દારૂ માફિયાઓ સામે કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. હાલ બે FIR નોંધાઈ ચૂકી છે.
આ પહેલાં 2024માં સંગરૂરમાં આ પ્રકારની ઘટનામાં 24 મોત થયાં હતાં, જ્યારે 2020માં રાજ્યમાં 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
