પાકિસ્તાનમાં હાઈકોર્ટ પાસે વિસ્ફોટમાં 12 લોકોનાં મોત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના G-11 સેક્ટરમાં આવેલી ન્યાયિક પરિસરમાં મંગળવારે એક શક્તિશાળી સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ શહેરની ઇમર્જન્સી સેવાઓને તરત જ સક્રિય કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અનુસાર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે કોર્ટમાં ભારે ટ્રાફિક અને મોટી ભીડ હતી.આ વિસ્ફોટમાં ઘણા વકીલ અને નાગરિકો ઘાયલ થયા છે.

પોલીસ અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારમાં કડક ઘેરાવબંધી કરી દેવામાં આવી છે. આ વિસ્ફોટ બાદ ભભૂકી ઊઠેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓ તૈનાત કરવામાં આવી હતી.

કારમાંથી થયો વિસ્ફોટ

પ્રારંભિક તપાસથી જાણવા મળે છે કે વિસ્ફોટ કોર્ટના પાર્કિંગ જગ્યામાં ઊભી કારની અંદર થયો હતો. સિલિન્ડર વિસ્ફોટ બાદ વાહનમાં આગ લાગી હતી, જેને કારણે ગાઢ ધુમાડો ફેલાયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મચારીઓએ ઘટનાસ્થળે ખાલી કરાવવા દોડધામ કરતાં હાહાકાર મચી ગયો હતો.

ખૈબર પખ્તુનખ્વામાં સૈન્ય કાફલા પર હુમલો

બીજી તરફ, પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવી IED વિસ્ફોટ કરવામાં આવ્યો. આ ઘટનામાં ઓછામાં ઓછા 16 જવાન ઘાયલ થયા. પાકિસ્તાની આર્મી અને ફ્રન્ટિયર કોરના જવાનોનું કાફલું ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના લોની ચોકીથી પાછું ફરી રહ્યું હતું, ત્યારે મોડી રાતે લોની ગામમાં IED વિસ્ફોટ થયો હતો. આ વચ્ચે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલા દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના કેડેટ કોલેજના મુખ્ય દરવાજા પર એક આત્મઘાતી હુમલા બાદ થયેલા વિસ્ફોટમાં છ લોકો ઘાયલ થયા હતા.