પૂરમાં મૃત્યુઆંક 600ને પાર, ચીને ફરી જાહેર કર્યું ‘તબાહીનું એલર્ટ’

નવી દિલ્હીઃ નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 626 થઈ ગયો છે, જ્યારે 2000થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ દરમિયાન ચીનના સરકારી મિડિયા અનુસાર તિબેટમાં ભૂસ્ખલનના કાટમાળથી બનેલા તળાવમાં પાણીનું સ્તર ફરી વધી રહ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફરીથી કાદવ ધસી આવવા અથવા જમીન ખસવાની (લેન્ડસ્લાઇડ) આશંકા યથાવત્ છે. નેપાળ અને તિબેટ વચ્ચેની મુખ્ય જમીની સરહદ એવા ગ્યિરોગ પોર્ટની આસપાસ બચાવ કામગીરીની જવાબદારી સંભાળતી ટીમે ઢોળાવો પર નજર રાખવા અને આસપાસ કામ કરી રહેલા બચાવ કર્મચારીઓને સમયસર ચેતવણી આપવા માટે ડ્રોન તહેનાત કર્યા છે અને દેખરેખ માટે ચોકીઓ પણ બનાવવામાં આવી છે.

મૃત્યુઆંકમાં ઉતાર-ચઢાવ

અહેવાલ મુજબ સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં નેપાળમાં મૃત્યુઆંક વધીને 626 થયો છે. આ આંકડો અગાઉ જણાવવામાં આવેલા 579 મૃત્યુની સરખામણીએ ઘણો વધારે છે. હજુ પણ લગભગ 2000 લોકો લાપતા હોવાનું જણાવાયું છે.

તળાવનો રંગ બદલાઈ રહ્યો છે, ચીને આપી ચેતવણી

ચીને ફરી એક વાર નેપાળને ચેતવણી આપી છે કે લ્હેન્ડે નદી પ્રણાલીના ઉપરવાસમાં બનેલું તળાવ ગમે ત્યારે તેના કાંઠા તોડી શકે છે. તળાવના પાણીનો રંગ બદલાવવો વધતા જોખમનો સંકેત હોઈ શકે છે. જોકે બીજિંગે કહ્યું છે કે જો તળાવ તૂટે તો પણ નદીમાં પાણીનો પ્રવાહ મહત્તમ 500 ક્યુબિક મીટર પ્રતિ સેકન્ડ સુધી જ પહોંચી શકે છે. નેપાળને મોકલવામાં આવેલા સંદેશમાં ચીને જણાવ્યું હતું કે આ તળાવનો રંગ સતત ઘેરો થઈ રહ્યો છે. આ તળાવ આ સપ્તાહની શરૂઆતમાં નેપાળ અને તિબેટના કેટલાક વિસ્તારોમાં આવેલા ભયાનક અચાનક પૂરના પગલે બન્યું હતું. પાણીનો રંગ સતત ઘેરો થવો એ તળાવ ગમે ત્યારે ફાટી શકે છે તેનો સંકેત હોવાનું જણાવાયું છે.

ચીને નેપાળને મોકલ્યો સંદેશ

ચીન તરફથી મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે પરમ દિવસે બનેલા તળાવનો રંગ સતત ઘેરો થઈ રહ્યો છે. તેનો અર્થ એ છે કે તે ફાટી શકે છે. ચીનના અધિકારીઓએ નદીના પ્રવાહની દિશામાં નીચે તરફ રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. આ તળાવ ગ્લેશિયર ધસી પડવાથી બન્યું હોવાનું કહેવાય છે અને માનવામાં આવે છે કે આ જ ઘટનાને કારણે નેપાળ અને તિબેટમાં ભયાનક અચાનક પૂર આવ્યું હતું.