અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 250 લોકોનાં મોત, 500થી વધુ ઘાયલ

નવી દિલ્હીઃ દક્ષિણ-પૂર્વ અફઘાનિસ્તાનમાં રવિવારની રાત્રે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા છ નોંધવામાં આવી હતી. આ ભયાનક ભૂકંપમાં 250 લોકોનાં મોત થયાં છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. US જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના બસાવુલથી 36 કિલોમીટર ઉત્તરમાં હતું અને તે 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યું હતું. ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે રવિવારે રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપની અસર કાબુલથી લઈને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ (જે આશરે 370 કિમી દૂર છે) સુધી જોવા મળી હતી, જ્યાં ઇમારતો થોડી સેકન્ડો સુધી ધ્રૂજતી રહી હતી.

રાહત અને બચાવ કાર્ય ચાલુતાલિબાનના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહિદે પણ આ નુકસાનની પુષ્ટિ કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે દુર્ભાગ્યે, આજ રાત્રિના ભૂકંપથી અમારા કેટલાક પૂર્વી પ્રાંતોમાં માનવીય અને આર્થિક નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ છે. કાબુલ અને આસપાસના પ્રાંતોમાંથી પણ ટીમોને મદદ માટે મોકલવામાં આવી છે. મુજાહિદે કહ્યું હતું કે લોકોના જીવ બચાવવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ મોટા ઝટકાથી 20 મિનિટ બાદ એ જ વિસ્તારમાં 4.5 તીવ્રતાનો એક આફ્ટરશોક અનુભવાયો હતો, જે 10 કિમી ઊંડાઈએ હતો. ત્યાર બાદ 5.2 તીવ્રતાનો એક બીજો ઝટકો પણ અનુભવાયો. USGS દ્વારા આ ભૂકંપ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે, જેનો અર્થ છે કે તે મોટા પાયે આર્થિક અને માનવીય નુકસાન કરી શકે છે.

વિનાશક ઇતિહાસઅફઘાનિસ્તાનમાં આ પહેલી વાર નથી કે ભૂકંપે ભારે જાનહાનિ કરી હોય. અફઘાનિસ્તાનમાં 7 ઓક્ટોબર, 2023એ 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે આવેલા શક્તિશાળી ઝટકાઓ બાદ તાલિબાન સરકારે અંદાજ લગાવ્યો હતો કે ઓછામાં ઓછા 4000 લોકોનાં મોત થયાં હતાં. જોકે, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ આ આંકડો લગભગ 1500 બતાવ્યો હતો. તે તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં આવેલી સૌથી ઘાતક કુદરતી આફતોમાંની એક હતી.