મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી અબ્દુલ રહેમાન મક્કીનું મોત

લાહોરઃ મુંબઈમાં આતંકવાદી હુમલાના ગુનેગાર અને આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફ હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું મોત થયું છે. મક્કીનું મોત હાર્ટ એટેકને લીધે થયું છે, એમ પાકિસ્તાની મિડિયાએ દાવો કર્યો છે. ભારતમાં 26/11ના  મુંબઈ હુમલાના કથિત માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સંબંધી અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JUD)ના નાયબ વડા હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી મોતને ભેટ્યો છે. શુક્રવારે લાહોરમાં હાર્ટ એટેકથી તેનું મોત થયું છે.

મક્કી લશ્કરનો વોન્ટેડ આતંકવાદી હતો. તે લશ્કરના નેતા હાફિઝ સઈદનો સાળો પણ હતો. મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો અને લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તેમનું શુગર લેવલ નોંધપાત્ર રીતે વધી ગયું હતું.

મક્કીની મે, 2019માં પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને લાહોરમાં નજરકેદ કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં પાકિસ્તાનની એક કોર્ટે પણ તેને આતંકવાદી ધિરાણ સંબંધિત કેસોમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આ પછી તેની બહુ ચર્ચા થઈ નહોતી. જાન્યુઆરી, 2023માં મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા પણ ‘વૈશ્વિક આતંકવાદી’ જાહેર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હથિયારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

મક્કીએ 26/11ના મુંબઈ આતંકી હુમલા માટે આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડ્યું હતું. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલા સામે સેનાની કાર્યવાહીમાં કુલ નવ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. આ દરમિયાન એક આતંકવાદી આમિર અજમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો.

મુંબઈ આતંકવાદી હુમલા ઉપરાંત મક્કી લાલ કિલ્લાના હુમલામાં તેની સંડોવણીને કારણે ભારતની સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. લાલ કિલ્લા પર હુમલો 22 ડિસેમ્બર, 2000એ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મક્કીનો પણ હાથ હતો. આ હુમલામાં લશ્કરના છ આતંકવાદીઓ લાલ કિલ્લા પર ઘૂસી ગયા હતા અને કિલ્લાની રક્ષા કરી રહેલા સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.