એક દિગ્દર્શકની અમોઘ શસ્ત્ર જેવી ફિલ્મ

ક ફિલ્મ, જેની કથા-પટકથા લખવામાં દિગ્દર્શકને છ વર્ષ લાગ્યાં હોય…એ જ દિગ્દર્શક બબ્બે સુપરહીટ ફિલ્મ બનાવી હોવા છતાં લૉસ એન્જલિસ જઈને ફિલ્મસર્જનનાં એવાં પાસાં હસ્તગત કરે, જે સુપરહીરોના વિષયવાળી ફિલ્મ બનાવવા માટે અત્યંત જરૂરી હોય…

-અને એ દિગ્દર્શક આ એક જ વિષયવાળી ત્રણ ફિલ્મનો સંપુટ અથવા ટ્રાયોલોજી બનાવવાની જાહેરાત કરે. પહેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવા’ રિલીઝ થશે 2022ના સપ્ટેમ્બરમાં. આવતાં દસ વર્ષમાં એક-એક ફિલ્મ રિલીઝ થશે.

-અને એક સર્જકના જીવનનાં પંદરથી વધુ વર્ષ એક વિષય પાછળ ખર્ચાવાનાં હોય એ ફિલ્મ કેવી હશે?

તમને આઈડિયા તો આવી જ ગયો હશે, હું કઈ ફિલ્મની વાત કરું છું. ‘બ્રહ્માસ્ત્ર.’ એ સર્જક એટલે અયાન મુખર્જી. તાજેતરમાં પાટનગર દિલ્હીમાં ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવા’નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું એ સાથે જ ફિલ્મમાં શું શું હશે એવી વિશે જાતજાતની અટકળો વહેતી થવા માંડી. મોશન પોસ્ટરમાં કંઈ આવો સંવાદ મૂકવામાં આવ્યો છેઃ

“કુછ ચલ રહા હૈ દુનિયા મેં…. ઈશા. ઐસા કુછ જો નૉર્મલ લોગોં કી સમઝ સે બાહર હૈ. કુછ પુરાની શક્તિયાં હૈ, કુછ અસ્ત્ર હૈ.”

“યે સબ તુમ્હે ક્યોં દિખ રહા હૈ? તુમ કૌન હો, શિવા?”

એ પછી શિવાનો પાઠ ભજવનાર રણબીર કપૂર અગનજ્વાળાવાળું ત્રિશૂલ ઉપાડતો દેખાય છે…

રણબીરની સાથે ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, મૌની રૉય, હુસૈન દલાલ તથા નાગાર્જુન પણ ચમકે છે. રણબીરના કહેવા મુજબ ‘બ્રહ્માસ્ત્ર’ આજના જમાનાની રોમાન્ટિક પરીકથા છે. સુપરનૅચરલ ખરી, પણ એનાં પાત્રો વાસ્તવિક લાગે એવાં હશે.

ફિલ્મમાં શિવા અગ્નિશક્તિ ધરાવે છે. એ હાથો વડે અગ્નિ પેદા પેદા કરી શકે છે. આથી જ બ્રહ્માસ્ત્રનું શીર્ષક પહેલાં ‘ડ્રેગન’ રાખવામાં આવેલું, જે પાછળથી બદલીને ‘બ્રહ્માસ્ત્ર’ રાખવામાં આવ્યું. યાદ હોય તો આજથી દસેક વર્ષ પહેલાં આવેલી ‘ગેમ ઑફ થ્રોન્સ’માં ઊડતા ને આગ ઑકતા ડ્રેગન્સ હતા.

અયાન મુખર્જીએ 2009થી 2013 દરમિયાન બે ફિલ્મ બનાવીઃ ‘વેકઅપ સિડ’ અને ‘યે જવાની હૈ દીવાની.’ બીજી ફિલ્મની રિલીઝ બાદ એટલે કે 2013થી એ ‘બ્રહ્માસ્ત્ર’ની કથા-પટકથા લખવા ચોટલી બાંધીને બેસી ગયેલા. અયાનની આગલી બન્ને ફિલ્મનો હીરો રણબીર કપૂર હતો. ‘બ્રહ્માસ્ત્ર’ની ત્રણ ફિલ્મ ગણીએ તો અયાન સાથે એની પાંચ ફિલ્મ થઈ.

ખરેખર તો અયાનને એવી ફિલ્મ બનાવવી છે, જે અનપ્રિડિક્ટેબલ અર્થાત્ હવે શું બનશે એની કલ્પના કરી ન શકાય (જાહેરખબરવાળાઓની ભાષા વાપરીને કહીએ તો) પળે પળે ઉત્કંઠા જગાવનારી ફિલ્મ.

અટકળો તો એવી પણ વહેતી થઈ કે આ ફિલ્મનાં બધાં પાત્રો પાસે કોઈ ને કોઈ અલૌકિક શક્તિ હશે. વર્તમાન સમયકાળની હોવા છતાં એમાં પૌરાણિક સંદર્ભો હશે. ટૂંકમાં ‘બ્રહ્માસ્ત્ર’ માઈથોલોજી અને ફૅન્ટસીનું મિક્સચર હશે. રણબીરે એક ઈન્ટરવ્યુમાં એવું કહેલું કે વાર્તાની પ્રેરણા અડૉપ્ટ કરીને એને વર્તમાન સમયમાં ઢાળવામાં આવી છે. શેમાંથી અડૉપ્ટ કરવામાં આવી છે એનો ફોડ કદાચ રિલીઝ વખતે પાડવામાં આવે.

હિંદી ઉપરાંત વિવિધ પ્રાદેશિક ભાષામાં રિલીઝ થનારી ‘બ્રહ્માસ્ત્ર’ પાર્ટ વનની સાઉથ લેન્ગવેજવાળી ફિલ્મો ‘બાહુબલી’ના સર્જક એસએસ રાજમૌલી પ્રેઝન્ટ કરશે.