અલવિદા ઈમ્તિયાઝભાઈ…

વર્લ્ડ થિયેટર ડેના દિવસે વૉટ્સઍપનું નોટિફિકેશન રણકે છે ને… એ મેસેજ ખિન્ન કરી મૂકે છેઃ

ગુજરાતી રંગભૂમિ અને હિંદી ફિલ્મ તથા સિરિયલના લેખક-દિગ્દર્શક-નિર્માતા ઈમ્તિયાઝ પટેલનું બીમારીને કારણે મુંબઈમાં નિધન. તેઓ 57 વર્ષના હતા…

-એ પછી બે-ચાર મિત્રોને ફોન કરી હું ન્યુઝ કન્ફર્મ કરું છું ને પછી યાદ કરું છું ‘ચિત્રલેખા’ની મુંબઈ ઑફિસમાં જામેલી અમારી બેઠક. આમ તો ઈમ્તિયાઝભાઈનું ઑફિસે આવવાનું કારણ જુદું હતું, પણ ટોક વિધિન ટોકમાં એમણે ‘ચિત્રલેખા’માં છપાયેલા મારા એક લેખ પરથી સારી ગુજરાતી ફિલ્મ બની શકે એવું કહીને મને ચોંકાવી દીધેલો. પછી મીઠું મલકતાં એમણે રહસ્યોદઘાટન કર્યુઃ “મારી નાટ્યલેખન કારકિર્દીમાં ‘ચિત્રલેખા’નો મોટો ફાળો છે… મારી કરિયરનું આરંભનું એક નાટક હતુઃ ‘માણસ માત્ર લફરાંને પાત્ર’, જેને શરૂઆતમાં જોઈએ એવો રિસ્પોન્સ મળ્યો નહોતો, પણ પછી નિર્માતાએ ‘ચિત્રલેખા’માં એની ચબરાકીથી જાહેરખબર કરી. અને 23માં પ્રયોગથી નાટક જે ઊંચકાયું તે 97 શો સુધી હાઉસફુલ. નાટ્યકાર તરીકે હું ઍસ્ટાબ્લિશ થયો… થૅન્ક્સ ટુ ‘ચિત્રલેખા.’

રસપ્રદ વાત એ કે એ જ અરસામાં મુંબઈના ભાઈદાસ સભાગૃહમાં ઈમ્તિયાઝભાઈનો ભેટો શફી ઈનામદાર સાથે થયો. શફીભાઈ એમને ખખડાવતાં કહ્યુઃ “આ શું માંડ્યું છે? તમારા જેવા લેખક રંગભૂમિનો દાટ વાળવા બેઠા છે… આવાં નાટક લખો છો? કંઈ સામાજિક નિસબતવાળું લખો તો માનું. એ જ ક્ષણે ઈમ્તિયાઝભાઈએ ‘આખેટ’નો વિષય સંભળાવ્યો. શફીભાઈએ એનું મચંન કર્યું ને પહેલા શોમાં એમણે ડિકલેર કર્યુઃ “આ છોકરો લાંબી રેસનો અશ્વ છે.” આખેટના, જો કે, એવરેજ શો થયેલા, પણ એનાથી એક વાત સ્થાપિત થઈ કે ઈમ્તિયાઝભાઈ સોશિયલ પણ લખી શકે છે.

1940ના દાયકામાં વડોદરા નજીક કરજણ તાલુકાના હલદર ગામેથી મુંબઈ આવેલા ઈસ્માઈલભાઈને બધાં સંતાનમાં ઈમ્તિયાઝની ચિંતા થતીઃ ભણવામાં એવરેજ છે… આગળ જતાં કરશે શું? તે વખતે ઈમ્તિયાઝભાઈ પર ઍટિંગનું ભૂત સવાર હતું. શરૂઆત થઈ અદી મર્ઝબાનના દૂરદર્શન પર આવતા અતિપ્રસિદ્ધ ‘આવો મારી સાથે’ કાર્યક્રમથી. કાચી વયે એમાં નાનીમોટી ભૂમિકા ભજવતા. ઈમ્તિયાઝભાઈએ માહિતી આપતાં કહેલુઃ “તે વખતે મને ઍક્ટિંગ-રાઈટિંગના કુલ સાડાસાતસો રૂપિયા મળતા. પછી એક દિવસ મારો ભેટો નાટ્યનિર્માતા જે. અબ્બાસ સાથે થયો. એ મને દર રવિવારે નાટક જોવા લઈ જતા. એટલાંબધાં નાટકો જોયાં કે એક દિવસ થયું, આવું તો હું પણ લખી શકું. અને…”

સાડાચાર દાયકાની કારકિર્દીમાં ઈમ્તિયાઝભાઈએ નાટ્યલેખન, નાટ્યદિગ્દર્શન, ટીવી-ફિલ્મરાઈટિંગ, વગેરે જેવું માતબર કામ કર્યું. એમણે ‘માણસ માત્ર લફરાંને પાત્ર,’ ‘ક્લીન બોલ્ડ’થી લઈને ‘કાકા કો કૂછ કૂછ હોતા હૈ’ (ગયા વર્ષે લૉકડાઉન હળવું બનતાં ઓપન થયેલું આ નાટક લેખક તરીકે તેમનું 100મું નાટક) જેવાં નાટક લખ્યાં તો સાથે ‘બ્લાઈન્ડગેમ,’ ‘મણિબેન ડૉટકૉમ,’ ‘મુક્તિધામ,’ ‘રાજયોગ’, ‘પટરાણી’ પણ લખ્યાં. ‘પટરાણી’ પરથી એકતા કપૂરે સિરિયલ બનાવી જે અત્યંત લોકપ્રિયતાને વરીઃ ‘બડે અચ્છે લગતે હૈ.’ કૉમેડી પર હથોટી ધરાવતા ઈમ્તિયાઝભાઈએ નાટક ઉપરાંત ‘હમ પાંચ’-‘કભી યે ભી વોહ’-‘ચમત્કાર’-‘અફલાતૂન’ જેવી સિરિયલનાં સંવાદલેખન સંભાળ્યાં.

અલવિદા ઈમ્તિયાઝભાઈ… આ કપરી પરિસ્થિતિમાં અલ્લાહ ઈમ્તિયાઝભાઈના આત્મા પરમ શાંતિ તથા એમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ દુઆ.

(કેતન મિસ્ત્રી)