કોલકાતાઃ રામ મંદિરના ઉદઘાટનની જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓની વચ્ચે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે TMC 22 જાન્યુઆરીએ સદભાવ રેલી કાઢશે. એ બધા ધર્મને માનનારા લોકો માટે હશે. 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ છે.
એ સાથે TMC સંપૂર્ણ રાજ્યમાં બ્લોક સ્તરે સર્વ ધર્મ રેલી આયોજિત કરશે. આ રેલીની થીમ- બધા ધર્મ બરાબર છે- હશે. એ સાથે મુખ્ય પ્રધાન મમતા બેનરજી કોલકાતા સ્થિત કાલીઘાટ મંદિર પણ જશે. એ પછી તેઓ માર્ચ કાઢશે.
તેમણે કહ્યું હતું કે હું 22 જાન્યુઆરીએ એક રેલી કાઢીશ, જેનો પ્રારંભ કાલી મંદિરથી થશે. મંદિરમાં હું કાલીની પૂજા કરીશ. ત્યાર બાદ અમે હાજરાથી પાર્ક સર્કસ મેદાન સુધી એક આંતરધાર્મિક રેલી કાઢીશું. અહીં એક બેઠક કરીશું.આ રેલીમાં સામેલ થનારા બધા લોકોનું સ્વાગત છે. આ રેલીમાં બધા ધર્મોના લોકો હાજર રહેશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વડા પ્રધાન મોદી અને RSSનો કાર્યક્રમ બનાવી દેવામાં આવ્યો છે. એના લીધે પાર્ટીના ટોચના નેતાઓએ એમાં સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો છે.