સુરત: કાશ્મીરી યુવા આદાનપ્રદાન કાર્યક્રમ હેઠળ સુરતની મુલાકાતે આવેલા કાશ્મીરી યુવાનો અદાણી હજીરા પોર્ટ અને દરિયો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. દેશની આયાત અને નિકાસના મહત્વના સ્થળ ઉપર પહોંચીને અનેક યુવાનો આશ્ચર્યચકિત થયા હતા. એમણે દેશની પ્રગતિના એક કેન્દ્રની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈને પોર્ટની કામગીરી અંગે અનેક પ્રશ્નો પૂછી પોતાની કુતૂહલતા વ્યક્ત કરી હતી.
ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા આયોજિત કાશ્મીરી યુવા આદાનપ્રદાન કાર્યક્રમ હેઠળ યુવાનો સુરતની મુલાકાતે છે. જમ્મુ અને કશ્મી અનંતનાગ, કૂપવાડા, બારાંમુલ્લા, બડગામ, શ્રીનગર અને પુલવામા જિલ્લાના ૧૩૨ કાશ્મીરી યુવાનો ટીમ લીડરો સાથે આજે અદાણી હજીરા પોર્ટની મુલાકાતે આવ્યા હતા.
કાશ્મીરના બારામુલાથી આવેલી યુવતી આફરિને જણાવ્યુ હતું કે અમે આજે અદાણી પોર્ટ ઉપર ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કઈ રીતે થાય છે, વિદેશ સાથે બિઝનેસ કઈ રીતે થાય છે એ બધું જાણ્યું, સમજયું અને જોયું. અમે જીવનમાં પ્રથમ વખત દરિયો જોયો, વહાણ જોયું. કાશ્મીરી યુવાન મોહમ્મદ હામીદે જણાવ્યુ હતું કે અમારો અનુભવ અદભુત રહ્યો છે. કાશ્મીરના શ્રીનગરથી આવેલી યુવતી મારિયાએ જણાવ્યું હતું કે અમે નેહરુ યુવા સંગઠન અને અદાણી પોર્ટનો અદભુત અનુભવ કરાવવા બદલ દિલથી આભાર માનીએ છીએ કે આ પહેલાં ક્યારેય નથી થયો એવો અનુભવ રહ્યો છે. સારા જફર નામની ઉત્સાહી યુવતી જણાવ્યું હતું કે પોર્ટના ઓપરેશનને બહુ નજીકથી જાણવાનું મળ્યું, ઓટોમેટિક ક્રેન અને ઓછા માનવ શ્રમથી કેટલું મોટું કામ થઈ શકે છે, એવું ઘણુંબધું જીવનમાં પ્રથમ વખત જોયું છે.