નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈના માર્ચ 2024ના ડેટા સામે આવ્યા છે. જેમાં કેટલીક રસપ્રદ માહિતી પણ પ્રાપ્ત થઈ છે. આ ડેટા અનુસાર ભારતમાં ઈન્ટરનેટ સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા માર્ચ 2023માં 88.1 કરોડથી વધીને માર્ચ 2024 સુધીમાં 95.4 કરોડ થઈ હતી, જેમાં 7.3 કરોડ ગ્રાહકોનો નોંધપાત્ર ઉમેરો થયો છે. આ આંકડો વાર્ષિક વૃદ્ધિ દર 8.30%નો દર્શાવે છે. બીજી તરફ દેશમાં મોબાઈલ યુઝર્સ દ્વારા દર મહિને વોઈસ કોલ પર વિતાવેલો સરેરાશ સમય 10 વર્ષમાં લગભગ દોઢ ગણો વધી ગયો છે. મોબાઈલ યુઝર્સ હવે દર મહિને વોઈસ કોલ પર સરેરાશ 963 મિનિટ વિતાવે છે. આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. 10 વર્ષ પહેલા 2014માં મોબાઈલ યુઝર્સ વોઈસ કોલ પર સરેરાશ 638 મિનિટ વિતાવતા હતા.ડિસેમ્બર 2018 સુધીમાં મોબાઇલ વપરાશકર્તાઓનો દર મહિને વૉઇસ કૉલ પર સમય પસાર કરવાનો સરેરાશ સમયગાળો 622 મિનિટ હતો. પરંતુ આ પછી તેમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં મોબાઇલ વપરાશકર્તાઓ દ્વારા વૉઇસ કૉલ્સ પર વિતાવતો સમય વાર્ષિક 9.1% ના દરે વધ્યો છે. તેનું મુખ્ય કારણ ટેલિકોમ કંપનીઓ દ્વારા વોઈસ કોલ ફ્રી કરવા અને ડેટાના દરમાં વધારો છે. પોસ્ટ-પેડ યોજનાઓના સંદર્ભમાં વૉઇસ કૉલ્સ ઘટી ગયા છે અને વૃદ્ધિ મુખ્યત્વે પ્રિ-પેડમાંથી આવી રહી છે.