પરિવર્તન સરળ રીતે: સામાન્ય માનવીનો અસામાન્ય સંકલ્પ…

મુકેશ કિશોરભાઈ ગાંધી

બીજા ઘણાની જેમ જ મુકેશભાઈ સામાન્ય મુંબઈગરા. ઈન્વેસ્ટમેન્ટ વિષયના અચ્છા જાણકાર. પોતે મુંબઈ શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરે. તમને એમ થશે કે આમાં નવું શું? તો નવીનતા એ છે કે મુકેશભાઈ નિમ્નસ્તરના લોકોને પણ ઈન્વેસ્ટમેન્ટ કરવામાં પ્રોત્સાહિત કરે છે, મદદ કરે છે – કોઈ ચાર્જિસ લીધા વગર.

સમાજમાં સેલિબ્રિટી વ્યક્તિઓ તો ઘણું દાન કરે, ઘણી સેવા કરે. મુકેશભાઈ ગરીબ લોકોને એમના પરસેવાના પૈસાની બચત કરતા અને બચાવેલા એ નાણાંમાંથી જ વધુ કમાણી કેમ કરવી, અણધારી સંપત્તિ કેમ મેળવવી એ શીખવે છે. જેથી એવી રકમ જિંદગીમાં મહત્ત્વના સમયે કામ લાગે. લોકોની આર્થિક ઉન્નતિ થાય, નવું જ્ઞાન મળે, લઘુતાગ્રંથિ ન રહે.

મુકેશભાઈની સેવાના લાભાર્થીઓમાં રહેણાક સોસાયટીઓના વોચમેન, કારડ્રાઈવર, ઘરકામ કરનારી સ્ત્રીઓ, મજૂર, નર્સ, વોર્ડબોય, માલિશ કરનાર, જિમ્નેશિયમ ઈન્સ્ટ્રક્ટર, જેવા લોકોનો સમાવેશ થાય છે. મુકેશભાઈ આવા લોકોને બેન્ક એકાઉન્ટ ખોલાવી આપે છે, પોતે એમના ગેરન્ટર પણ બને, એમને PAN કાર્ડ કઢાવી આપે, ત્યારબાદ જરૂરી ફોર્મ્સ પર સહી-સિક્કા કરાવી એમને શેરબજારની સ્ક્રિપ્સમાં કે નવી સરકારી યોજનાઓમાં મૂડીરોકાણ કરાવી આપે. અત્યાર સુધીમાં આવા ૭૫ જણના બેન્ક એકાઉન્ટ મુકેશભાઈએ ખોલાવી આપ્યા છે.

આવા મુકેશભાઈના શેરબજારના ગુરુ કોણ છે એ પણ જાણી લો. એમને આવી નિ:સ્વાર્થભાવે સેવા બજાવવાની પ્રેરણા આપી છે ઈનામ સિક્યૂરિટીઝના સ્થાપક-ચેરમેન, ઈન્વેસ્ટમેન્ટ બેન્કર, વેન્ચર કેપિટાલિસ્ટ વલ્લભભાઈ ભણસાલીએ.

વલ્લભભાઈ ભણસાલી સાથે મુકેશ ગાંધી

વલ્લભભાઈ કહે છે, મુકેશને હું ૨૫ વર્ષોથી ઓળખું છું. આજના જમાનામાં તે શુદ્ધ આદર્શવાદી વ્યક્તિ છે. એ સંતોષી છે. એને નવું શીખવાની હોંશ રહે છે. એ ગુણી જીવ છે. જે વ્યક્તિ અંતરથી તૃપ્ત હોય છે એના જીવમાં સેવા કરવાનો ભાવ હોય છે.

વલ્લભભાઈ વધુમાં કહે છે, નાના માણસોને ઈન્વેસ્ટમેન્ટની સમજણ જ નથી હોતી તો એમને માટે કંઈક કરીએ એ વિશે અમારી વચ્ચે ચર્ચા થઈ હતી. એ પછી અમે થોડાક અખતરા કર્યા હતા. મુકેશનું કહેવું હતું કે ૫૦ નહીં તો પાંચના કામ તો હું કરી આપું. આમ સેવા કરવાથી ગુણની વૃદ્ધિ થાય છે. એ પોતાની મહેનત અને પરસેવાથી કામ કરે છે. એ ક્યારેય નહીં થાકે. આવી વ્યક્તિ આશાવાદી અને ઈશ્વરમાં વિશ્વાસ રાખવાવાળી હોય છે. એટલે એ કંટાળે નહીં, હારે નહીં.

મુકેશભાઈ આ ઉપરાંત સંગીતનું દાન પણ કરે છે, એમના ઘરમાં, વિનામૂલ્યે. તેઓ દિવ્યાંગ બાળકો, વરિષ્ઠ, નિવૃત્ત નાગરિકોને મેન્ડોલીન, વાયોલીન, કીબોર્ડ પિયાનો વગાડતા શીખવે છે. કોઈકને ગીત ગાતા પણ શીખવે છે. આ કળા શીખવાથી એવા લોકોની જિંદગીમાં રસ જળવાઈ રહે છે, કંઈક શીખ્યાનો એમને ગર્વ થાય છે. એમના તાલીમાર્થીઓમાં પાંચથી લઈને 75 વર્ષની વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

જુઓને, એમની પાસે સંગીત શીખનાર શિષ્યો શું કહે છે તેઃ

ટાટા હોસ્પિટલનાં નિવૃત્ત ઈન્ચાર્જ અને 75 વર્ષનાં ડો. શકુબેન બારભાયાએ મુકેશભાઈની સરાહના કરતી આ કવિતા લખી છેઃ

જમનાબાઈ નરસી સ્કૂલનો છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હૃદય કલાતી કહે છે, મને તો ગાવાનો, ડાન્સનો શોખ હતો. પણ મુકેશસરે મને સંગીત શિખડાવ્યું અને એ મારું અતિ પ્રિય થઈ ગયું. મને એમના સંગીત ક્લાસમાં જવાનું બહુ જ ગમે છે.

ઘરકામ કરનાર મહિલાનો 9મા ધોરણમાં ભણતો લવ પણ મુકેશભાઈનો આભાર માને છે. એણે નોટબુકના કાગળ પર એ શબ્દો લખી આપ્યા છેઃ

દિવ્યાંગ વિદ્યાર્થીઓને સંગીત શિખડાવવામાં ખૂબ ધીરજ જોઈએ એટલે ઘણા લોકોને એવું શીખડાવવું ગમતું નથી હોતું, પણ મુકેશજીએ બહુ ઉત્સાહપૂર્વક આ પડકારને ઝીલી લીધો છે. અમે તો બહુ ભાગ્યશાળી છીએ કે અમને તમારા જેવા સંગીત સર મળ્યા.
– ઉર્વીબેન (દિવ્યાંગો માટેની સેવાભાવી સંસ્થા ARTISTIC HANDSનાં સંચાલિકા)

અમેરિકામાંથી 8મા ધોરણનો વિદ્યાર્થી ઓમ જણાવે છે, હું મુકેશસર પાસે બે વર્ષથી ઈન્ટરનેટ મારફત પિયાનો સંગીત શીખું છું. એ ખૂબ જ લાગણીથી શિખડાવે છે.

રોજિંદા વ્યસ્ત જીવનને કારણે સંગીત શિખવાનો સમય ન મળે. મારા ગુરુ મુકેશભાઈએ મને સંગીતને સમજવામાં અને એનો આનંદ માણતા શિખડાવ્યું.
– ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રજ્ઞાબેન કહે છે,

મુકેશસર અમને સંગીતની તાલીમ આપે છે એટલું જ નહીં, એમની પાસેથી અમને વિવેકવિચાર પણ શીખવા મળ્યા છે. એનાથી અમારું જીવન સમૃદ્ધ બન્યું છે. અમને આ તક આપવા બદલ સર તમારો ખૂબ ખૂબ આભાર.
– જીનલ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)/ જિશા (પાંચમા ધોરણમાં ભણતી એમની પુત્રી)

મુકેશસર મળ્યા એ અમારા માટે આશીર્વાદ કહેવાય. સંગીત કે શેરબજાર વિશેના પોતાના જ્ઞાનની એ નિઃસ્વાર્થભાવે વહેંચણી કરે છે. હું અને મારી બહેન, બંને જણ એમની પાસે સંગીત શીખીએ છીએ. અમારા બંનેમાં આત્મવિશ્વાસ આવ્યો છે.
– ભાવના (બેન્ક કર્મચારી) અને નૂતન (LIC કર્મચારી) કહે છેઃ

નિવૃત્ત જીવન ગાળતા ગૌતમભાઈ પણ કહે છે કે મુકેશભાઈ સર પાસેથી અમને ઘણું જ સરસ શીખવા મળે છે.

મુકેશભાઈ પાસે પિયાનો વગાડતા શીખવાનું શરૂ કર્યાને મને હજી માત્ર છ મહિના જ થયા છે, પણ મને ખૂબ જ આત્મવિશ્વાસ આવી ગયો છે. અઠવાડિયામાં માત્ર અડધો કલાક જ શીખવાનું હોય તે છતાં મને ઘણા ગીતો વગાડતા આવડી ગયા છે. મુકેશભાઈની શીખવવાની પદ્ધતિ ખૂબ જ નિરાળી, રસપ્રદ, ઉત્સાહપ્રેરક છે.
– કોસ્ટ કન્સલ્ટન્ટ મીનુ મંગલા કહે છે,

અમે નસીબદાર છીએ કે અમને મુકેશભાઈ જેવા ગુરુ મળ્યા, જે કળા, કૌશલ્ય કે વિષય પ્રત્યે જ્ઞાન, લગાવ અને સમજદારીના જુસ્સાને બળ આપે છે. અમને પોતાના પરિવાર જેવા સમજીને તાલીમ આપવા બદલ અમે મુકેશભાઈ તથા એમના પરિવારના આભારી છીએ.
– શિવાની (ગૃહિણી) અને ઈશાન (પાંચમા ધોરણનો વિદ્યાર્થી)

હું યોગવિદ્યામાં રસ ધરાવનારી છું. પિયાનો વગાડતાં તો મને જરાય નહોતું આવડતું, પણ મુકેશભાઈએ કંઈક અલગ શીખવાનું પ્રોત્સાહન આપ્યું. મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.
– (હર્ષાબેન – યોગશિક્ષિકા)

સંયુક્ત પરિવારમાં રહેતા મુકેશભાઈ છ વર્ષથી આ પ્રકારની સેવા આપી શકે છે એ માટેનો શ્રેય પિતા કિશોરભાઈ, પત્ની બીના, નાના ભાઈ-ભાભી હિરેન-પ્રીતિના સહકારને આપે છે. આ સેવા આપવા પાછળ મુકેશ ગાંધીનો એક જ ઉદ્દેશ્ય છેઃ

‘જો હું કંઈક કરી શકું છું તો બીજાઓને એ શીખવામાં મદદ કેમ ન કરું… માટે જ મારા અનુભવનો ઉપયોગ કરીને એમને પ્રેાત્સાહન અને તાલીમ આપું છું. જિંદગી જીવવાનો નૈતિક ટેકો પૂરો પાડું છું.’

(તસવીરોઃ દીપક ધુરી)


મુકેશભાઈ એક પ્રેરકબળઃ જુઓ વિડિયોઃ