લીડ્સઃ અહીંના હેડિંગ્લી મેદાન પર ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ ગઈ કાલથી શરૂ થઈ છે, પણ ભારતીય ટીમ માટે પહેલો જ દિવસ ગોઝારો નિવડ્યો. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પણ ટીમ પહેલા દાવમાં માત્ર 40.4 ઓવર જ રમી શકી અને 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દિવસને અંતે ઈંગ્લેન્ડે તેના પહેલા દાવમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 120 રન કર્યા હતા. રોય બર્ન્સ 52 અને હસીબ હમીદ 60 રન સાથે દાવમાં હતો. બંને જણ અત્યાર સુધીમાં 42 ઓવર રમી ચૂક્યા છે. ભારત કરતાં ઈંગ્લેન્ડ 42 રન સરસાઈમાં પણ છે. બીજી લોર્ડ્સ ટેસ્ટ જીતીને પાંચ-મેચોની સિરીઝમાં 1-0થી આગળ રહેલી ટીમ ઈન્ડિયાના નવા દેખાવને કારણે ભારતના ક્રિકેટરસિયાઓ શોકગ્રસ્ત છે. ઈંગ્લેન્ડ સામે ભારત છેલ્લી 9 ટેસ્ટમાં ટોસ હાર્યું હતું. આ પહેલી જ વાર જીત્યું અને પહેલાં બેટિંગ પસંદ કરી હતી. પરંતુ ટીમનો એકેય બેટ્સમેન વ્યક્તિગત 20 રન પણ કરી ન શક્યો. હાઈએસ્ટ સ્કોર હતો 19 રન – ઓપનર રોહિત શર્માનો. કેપ્ટન કોહલી માત્ર 7 રન બનાવી શક્યો.
ભારતના વિકેટકીપર રિષભ પંતે જોકે કેપ્ટન કોહલીના બચાવમાં આવ્યો છે. એણે કહ્યું કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય સમગ્ર ટીમનો હતો. સવારના સમયે પિચ થોડીક સોફ્ટ હતી અને ઈંગ્લેન્ડના બોલરો લાભ મળે એવી જગ્યાએ બોલ ફેંકતા રહ્યા હતા. આપણા બેટ્સમેનો પણ એમનો સામનો કરી શક્યા હોત. આપણે આમાંથી શીખવું પડશે. ક્રિકેટની રમતમાં આવું બનતું હોય છે. તમારે ભૂલમાંથી જ શીખી ગેમ સુધારવાની હોય છે. જ્યારે અમે કોઈ નિર્ણય લઈએ છીએ ત્યારે ટીમ તરીકે લઈએ છીએ. તેથી અમે જ જ્યારે નિર્ણય લીધો કે ટોસ જીતીને બેટિંગ કરવી છે તો અમે એ નિર્ણયનો બચાવ કરીએ છીએ.