કેરળ: ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપે કેરળમાં ખાતું ખોલીને એક બેઠક પોતાના નામે કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અને અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીએ કેરળની થ્રિસુર લોકસભા બેઠક પર મોટી જીત મેળવી છે. લોકસભા ચૂંટણી 2014 અને 2019માં મોદી લહેર છતાં ભાજપ દક્ષિણના રાજ્યો અને ખાસ કરીને કેરળમાં કોઈ સારૂં પ્રદર્શન નહોતી કરી શક્યું. પરંતુ હવે દક્ષિણમાં ભાજપ ધીરે-ધીરે પગપેસારો કરી રહ્યું છે.
દેશના ઈતિહાસમાં પહેલીવાર કેરળમાં કમળનું ફૂલ ખીલ્યું છે. સુરેશ ગોપીનો 75,079 મતોની જંગી સરસાઈથી વિજય થયો છે. તેમને કુલ 4,09,239 મત મળ્યા હતા. આ વખતે તેમના નજીકના હરીફ સી.પી.આઈ.ના વી. એસ. સુનિલ કુમાર હતા. જેમને કુલ 3,31,538 મત મળ્યા અને કોંગ્રેસના મુરલીધરન 3,22,995 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. સુરેશ ગોપી 2019ની લોકસભાની ચૂંટણી હારી ગયા હતા અને અને ફરીથી 2021 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ થ્રિસૂર બેઠક પરથી હાર્યા હતા. જો કે ફરી ભાજપે તેમના પર વિશ્વાસ દર્શાવ્યો અને તેઓ ભાજપ માટે આશાનું કિરણ બન્યા છે.