મુંબઈ: ડાયાબિટીસને વિશ્વભરમાં સૌથી ખતરનાક બિમારીઓમાંની એક ગણવામાં આવે છે. ડાયાબિટીસ ધીમે ધીમે તમારા શરીરના તમામ ભાગોને અસર કરવાનું શરૂ કરે છે. વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diebetes Day) દર વર્ષે 14 નવેમ્બરે ઉજવવામાં આવે છે. લોકોને આ જીવનશૈલીથી સંબંધિત રોગો અને તેના જોખમો વિશે જાગૃત કરવાના હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે. જેથી કરીને તમે તમારી જાતને ડાયાબિટીસનો શિકાર બનવાથી બચાવી શકો. માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ 1 થી 10 વર્ષની વયના બાળકો પણ ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે. તેમનો ડાયાબિટીસ 500 સુધી પહોંચી રહ્યો છે. દર વર્ષે આવા બાળકોની સંખ્યા વધી રહી છે.
બાળકોને પ્રકાર 1 ડાયાબિટીસ હોય છે. બાળકોમાં ડાયાબિટીસ થવાના મુખ્ય કારણો અને તેની સારવાર વિશે ચિત્રલેખા ડૉટ કૉમે કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. જયતિ ઝાલા સાથે ખાસ વાત કરી છે.
ડાયાબિટીસના મુખ્ય કારણો
ડૉ. જયતિ ઝાલા જણાવે છે કે અત્યારના સમયમાં આપણે મુખ્ય કારણ જોઈએ તો એ આપણી લાઈફસ્ટાઈલ છે. લાઈફસ્ટાઈલમાં બધું જ આવી જાય. એક કારણ તો આપણી ખાવા-પીવાની પદ્ધતિઓ, શારિરિક પ્રવૃત્તિઓ ઓછી અને ઉપરથી પ્રદૂષણ. આ બધી જ બાબતો ડાયાબિટીસ નોતરી શકે છે. જો આપણે ખોરાક અને વ્યાયામ પર ધ્યાન આપીએ તો આ રોગનો શિકાર થવાથી બચી શકાય છે. ડાયાબિટીસના શિકાર થયા બાદ સમસ્યાઓ વધતી જાય છે. માટે આ રોગને થતાં જ અટકાવવો વધારે જરૂરી છે. ડાયાબિટીસ થવાનું બીજું કારણ જેનેટિક પણ હોય છે. જો તમારા માતા-પિતા કે ફેમિલીમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય અને લાઈફસ્ટાઈલ બરાબર ના હોય તો તેનું રિસ્ક વધી જાય છે. આ બંને કારણો છે ડાયાબિટીસના. જેનેટિકનું ઓછું પ્રમાણ છે. પરંતુ જેનેટિક હોય અને સાથે લાઈફસ્ટાઈલ પણ યોગ્ય ના હોય તો ડાયાબિટીસ થવાનું રિસ્ક વધી જાય છે.
બાળકો પર ભાર મુકતાં ડૉ.ઝાલા જણાવે છે કે, હું બાળકોમાં ઘણી વાર જોઉં છું કે તેમનો રોજનો ખોરાક હોય છે ચિપ્સના પેકેટ, મૅગી, કેચઅપ અને બહારની ખાદ્ય વસ્તુઓ. આ દરેક ખાદ્યપદાર્થમાં સુગરનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે. પેકેટ ફૂડ બાળકોને આપવાનું ટાળવું જોઈએ. બહારના પેકેટ જ્યુસિસમાં પણ સુગરનું પ્રમાણ અધિક હોય છે. તેમજ તેમાં સુગર સાથે કેમિકલનું પણ ઉમેરણ હોય છે, જે બાળકો સહિત દરેક વર્ગના વ્યકિતને નુકસાન પહોંચાડે છે. બાળકોને ઘરની વસ્તુઓ જ ખાવા માટે આપવી જોઈએ. જેના કારણે હેલ્ધી લાઈફસ્ટાઈલની ટેવ પડે છે.
ડાયાબિટિસના પ્રકાર
બાળકોમાં સ્ક્રીનટાઈમ વધી ગયો છે. ટીવી જોતાં જોતાં તેઓ આખું ચિપ્સનું પેકેટ ખાઈ જાય તો પણ ખ્યાલ આવતો નથી. તેમની ફિઝિકલ પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે.જેને લીધો બાળકો ડાયાબિટીસનો ભોગ બની રહ્યાં છે. બાળકોમાં બે પ્રકારની ડાયાબિટીસ જોવા મળે છે. ટાઈપ વન અને ટાઈપ ટુ ડાયાબિટીસ. ટાઈપ વનને લાઈફસ્ટાઈલ સાથે કોઈ સંબંધ નથી. તે એક ઓટો ઈમ્યુન ડિસઓર્ડર છે. જેની એકમાત્ર સારવાર ઈન્સુલિન ઈન્જેક્શન જ છે. ટાઈપ ટુ ડાયાબિટીસ સંપૂર્ણરીતે અલગ રોગ છે. વજન વધવાથી, જંક ફૂડ ખાવાથી અને વ્યાયામ ના કરવાથી આ રોગ થાય છે. બાળકોમાં માટેભાગે ટાઈપ વન ડાયાબિટીસ જોવા મળે છે. કોઈ પણ બાળકને કોઈ પણ સમયે થઈ શકે છે. સામાન્ય રીતે ટાઈપવન બાળકોમાં જોવા મળે છે. પરંતુ જો તેની યોગ્ય સારવાર ના થાય તો 18 વર્ષ પછી પણ તેની અસર રહે છે.
8 થી 10 વર્ષના બાળકોમાં ઘણીવાર ટાઈપ ટુ ડાયાબિટીસ જોવા મળે છે. ટાઈપ ટુ ડાયાબિટીસ લાઈફસ્ટાઈલને કારણે થાય છે. જેની સારવાર આપણે ઘરે જ આપણી જીવનશૈલીમાં સુધારો દ્વારા કરી શકીએ છીએ. જ્યારે ટાઈપ વન ડાયાબિટીસ માટે ફરજિયાતપણે મેડિકલ સારવાર લેવી પડે છે. જેમાં બાળકોને ઈન્જેક્શ આપી સારવાર કરવામાં આવે છે. અનહેલ્ધી ફૂડ એ ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. જો બાળકોને ઘરનો શુદ્ધ ખોરાક અને સાઈક્લિંગ જેવી ફિઝિકલ રમતોની ટેવ પાડવામાં આવે તો ડાયાબિટીસથી બચી શકાય છે.
બાળકમાં જન્મથી પણ ડાયાબિટીસ હોય શકે છે. એનો પ્રકાર અલગ છે.જેને નિયોનેટલ ડાયાબિટીસ મલાઈટસ (Neonatal diabetes mellitus)કહેવાય છે. પરંતુ આના કેસ નહિવત જેવા હોય છે. આ જેનેટિક ડાયાબિટીસ છે.
કેવી રીતે સાવચેતી રાખવી?
ડૉ. જયતિ જણાવે છે કે આપણે ઘરમાં જે પણ ફેરફાર કરીએ તો માત્ર દર્દી માટે નહીં પરંતુ દરેક સભ્ય માટે હોવા જોઈએ. સુગરનો પ્રમાણસરમાં ઉપયોગ કરવો જોઈએ.બહારનું ફૂડ તદ્દન ટાળવું જોઈએ. ડાયટમાં લીલા શાકભાજી, સલાડ, મિલેટ્સને સામેલ કરી શકો છો. આ સાથે જ એક્સરસાઈઝને જીવનશૈલીમાં સામેલ કરવી જોઈએ. બેઠાડું જીવન ડાયાબિટીસને નોતરી શકે છે. માટે જ દિવસ દરમિયાન કંઈક ફિઝિકલ એક્ટિવીટી કરવી અનિવાર્ય છે. રોજની એક કલાકની ફિઝિકલ પ્રવૃત્તિ સુગરનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.