અંતઃસ્ત્રાવો (હૉર્મોન્સ)ની અસર આરોગ્યની સાથોસાથ સંબંધો પર પણ પડે છે. તેમને નિયંત્રણમાં રાખવા ખૂબ જ જરૂરી છે. અંતઃસ્ત્રાવો કોષો અને ગ્રંથિઓમાંથી નીકળતાં રસાયણ છે જે શરીરના બીજા હિસ્સામાં હાજર કોષો અને ગ્રંથિઓ પર અસર પાડે છે. તેની સીધી અસર ચયાપચય (મેટાબૉલિઝમ), રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યૂન સિસ્ટમ), પ્રજનન (રિપ્રૉડક્ટિવ સિસ્ટમ), શરીરનો વિકાસ, મૂડ વગેરે પર થાય છે.શરીરમાં કુલ ૨૩૦ પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે. આ રસાયણો સંદેશાવાહકની જેમ એક કોષથી બીજા કોષ સુધી સંકેત પહોંચાડે છે. અંતઃસ્ત્રાવો જ્યારે સંતુલિત રહે છે ત્યારે બધું જ સારું રહે છે. જ્યારે તેમાં ગડબડ થાય છે અને અસંતુલન સર્જાય છે ત્યારે તેની પ્રતિકૂળ અસર પડે છે. તેના કારણે ઘણી વાર અચાનક મિજાજમાં પલટો આવે છે. સંબંધો પર અસર કરતા મુખ્ય અંતઃસ્ત્રાવોમાં ઑક્સિટૉસિન, ટૅસ્ટૉસ્ટેરૉન, એસ્ટ્રૉજન અને પ્રૉજેસ્ટેરૉન સામેલ છે.
ઑક્સિટૉસિનને પ્રેમનો અંતઃસ્ત્રાવ કહેવાય છે. તેના કારણે સંબંધોમાં જોડાણ અનુભવાય છે. પરંતુ જો ઑક્સિટૉસિન અપર્યાપ્ત પ્રમાણમાં હોય તો તેની નકારાત્મક અસર સર્જાય છે. તેના કારણે ચીડિયો સ્વભાવ, એકાંતમાં રહેવાની ઈચ્છા, અનિદ્રા, વગેરે સમસ્યાઓ સર્જાય છે.
ટેસ્ટૉસ્ટેરૉન મર્દાનગીની જરૂરિયાત પૂરી કરે છે. તેનું જો સ્તર ઓછું હોય તો ચીડિયો સ્વભાવ અને અહંકાર જન્મે છે. આ નકારાત્મક ભાવનાઓ અંગત સંબંધોને અસર પહોંચાડે છે. વધતી ઉંમર, તણાવ, જૂની બીમારીઓ અને અંતઃસ્ત્રાવોની સમસ્યાઓ પુરુષોમાં ઓછા ટેસ્ટૉસ્ટેરૉનનું કારણ બની શકે છે.
એસ્ટ્રૉજન અંતઃસ્રાવનું સ્તર મહિલાઓમાં યુવાવસ્થાને વધારે છે. તે તેમના વિકાસ, યૌન ગતિવિધિ અને ફળદ્રુપતા પર અસર કરે છે. એસ્ટ્રૉજનનું સ્તર સામાન્ય હોય તો મહિલાઓમાં સેક્સની ઈચ્છા રહે છે. પરંતુ જો સ્તર વધી જાય તો મુશ્કેલી સર્જાય છે. તેનાથી સંબંધો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, માથાનો દુઃખાવો, થાક વગેરે ફરિયાદો થાય છે.
પ્રૉજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનું સ્તર ગર્ભાવસ્થા અને માતૃત્વના શરૂઆતના દિવસોમાં સારું હોય છે. તે ગર્ભવતી મહિલાઓમાં બાળકોની દેખભાળ રાખવાની ઈચ્છાને વધારે છે. તેના કારણે બાળકના જન્મના શરૂઆતનાં વર્ષોમાં જાતીય સંબંધની ઈચ્છા ઓછી થઈ જાય છે.
હવે આ અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઓછું છે તે કેમ ખબર પડે? રક્ત પરીક્ષણમાં આ સ્તરની ખબર પડતી હોય છે. મોટા ભાગના ડૉકક્ટરો સંમત થશે કે જો પ્રતિ ડેસિલીટર ૩૦૦થી ૧,૦૦૦ મિલીગ્રામ જેટલું ટેસ્ટૉસ્ટેરૉન હોય તો તે સામાન્ય ગણાય. આ રીતે અંતઃસ્ત્રાવોના પ્રમાણ વિશે ખબર પડે તો શું કરવું?
આરોગ્ય નિષ્ણાતો અનુસાર, પ્રથમ તો તમારી દિનચર્યાની સમીક્ષા કરો. આખા દિવસમાં તમે શું-શું કર્યું અને કયા સમયે કર્યું તેની નોંધ બનાવો. પછી તેના પર ચિંતન કરો. જો તમે સ્થૂળ પુરુષ હો તો વજન ઘટાડવા પ્રયાસ કરો. જે પુરુષો ૭ %થી ૧૦% વજન ઘટાડવામાં સફળ રહે છે તેમના ટેસ્ટૉસ્ટેરૉનનું પ્રમાણ સુધરે છે. આહાર, કસરત, દારૂ ઓછો પીવો (આમ તો ન જ પીવો) અને ધૂમ્રપાન ન કરવું વગેરેથી ટેસ્ટૉસ્ટેરૉનનું પ્રમાણ સુધરવામાં મદદ મળે છે.આ જ રીતે પ્રૉજેસ્ટેરૉનનું સ્તર જાળવવા માટે પણ સ્ત્રીએ વજન સામાન્ય રાખવું જોઈએ. વધુ પડતી કસરતો ટાળવી જોઈએ. તણાવ ઘટાડવો જોઈએ. ચેસ્ટબેરી નામની ઔષધિથી પણ પ્રૉજેસ્ટેરૉનનું ઉત્પાદન વધે છે પરંતુ તે માટે ડૉક્ટરની સૂચના (પ્રિસ્ક્રિપ્શન) જરૂરી છે.
એસ્ટ્રૉજનનું પ્રમાણ વધારવા માટે પણ તણાવ ઘટાડવો જરૂરી છે. દિનચર્યા આરોગ્યપ્રદ રાખવી જરૂરી છે. ધૂમ્રપાન છોડી દેવું જોઈએ. હળવીથી મધ્યમ કસરત જરૂરી છે.
ઑક્સિટૉસિનના પ્રમાણને વધારવા આલિંગન, સ્પર્શ, ચુંબન વગેરે કારગત નિવડી શકે છે. પ્રોત્સાહનના શબ્દો પણ કામ કરે છે. જો વ્યક્તિની વાત સાંભળવામાં આવે તો તેના ઑક્સિટૉસિનના પ્રમાણમાં વધારો થાય છે. જે વ્યક્તિને ઑક્સિટૉસિનનું પ્રમાણ ઓછું લાગે તેણે હસવું અને રમવું જોઈએ. બાળકો હસતા અને રમતા હોય છે. ધ્યાન અને પ્રાર્થનાથી પણ આ અંતઃસ્ત્રાવમાં સુધારો થાય છે તો ક્યારેક રડવાથી પણ ફેર પડે છે.