બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરવું?

પ્રશ્ન: તમારા છેલ્લા લેખ દ્વારા અમને પ્રોટીન અને એના મહત્ત્વ વિશેની જાણકારી મળી. મારો સવાલ એ છે કે અગર પ્રોટીન વધારે પ્રમાણમાં લેવામાં આવે તો એ નુકસાન કરી શકે?

– ધાર્મિક પંડિત (પુણે)

ઉત્તર: અત્યારના યુવાનોમાં હાઈ પ્રોટીન ધરાવતો આહાર લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કારણ કે પ્રોટીન એ મસલ્સ બનાવવા એટલે કે મજબૂત કરવાનું કામ કરે છે. ઘણા યુવાનો ઍબ્સ ડેવલપ કરવા માટે સારી ક્વૉલિટીનું પ્રોટીન કે અમુક પ્રકારનાં પ્રોટીન સપ્લિમેન્ટ્સ પણ લઈ રહ્યા છે, જેનો સમજ્યા વગરનો અતિરેક પ્રોટીનનું પ્રમાણ વધારી શકે છે. આરડીએ  એટલે કે રેકમેન્ડેડ ડાયેટરી એલાઉન્સના જણાવ્યા મુજબ, અગર તમારું વજન 70 કિલો છે તો તમારી પ્રોટીનની રોજિંદી જરૂરત 56થી 70 ગ્રામ જેવી ગણી શકાય.

એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે વધુ સમય સુધી વધારે પડતું પ્રોટીન લેવામાં આવે તો એની આડઅસર ચોક્કસ થઈ શકે. પાચનતંત્ર તથા કિડનીને લગતી તકલીફો, કબજિયાત (કોન્સ્ટિપેશન), વજનમાં વધારો, થાક, કામ કરવામાં આળસ, માથાનો દુખાવો, અવારનવાર પેશાબની ખણ, વગેરે સામાન્ય લક્ષણોથી લઈને કૅન્સર અને હાર્ટ અટેક જેવી ગંભીર અસર સુદ્ધાં પ્રોટીનના વધુ ઈન્ટેકથી જોવા મળી શકે છે. આથી જ વ્યવસ્થિત માર્ગદર્શન વગર હાઈ પ્રોટીન ડાયેટ ન લેવો એ જ સલાહભર્યું છે.

પ્રશ્ન: થોડા વખતથી મેનોપોઝ પિરિયડ શરૂ થવાને કારણે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં સ્ફૂર્તિ આવતી નથી, આળસ આવે છે. એ જ કારણે મારું વજન પણ વધી રહ્યું છે. આવા સમયે બૉડી મેઈન્ટેન કરવા શું કરવું જોઈએ?

– કોમલ દવે (અમદાવાદ)

ઉત્તર: મેનોપોઝલ પિરિયડ દરેક સ્ત્રી માટે કપરો હોય છે. લગભગ 42થી 50 વર્ષની વચ્ચેનો સમયગાળો મેનોપોઝલ પિરિયડ ગણાય છે. આ સમયે શારીરિક બદલાવ તેમ જ માનસિક બદલાવ પણ આવે છે.

માસિક અનિયમિત થવાથી કે બંધ થવાથી વજન વધવું, આંખ નબળી પડવી, શરીરમાં દુખાવો જેવી અસર શરીરમાં વર્તાય. સાથે સાથે નિરાશાની લાગણી, આત્મવિશ્ર્વાસમાં અચાનક ઘટાડો, યાદશક્તિ ઓછી થવી, ગરમી વધુ લાગવી જેવા ફેરફાર પણ આ સમયે અનુભવાય છે. સ્ત્રીઓમાં રહેલા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન કે જે મેન્સ્ટ્રુએશન માટે જવાબદાર છે એનું પ્રમાણ આ તબક્કે ઘટે છે. પરિણામે પિરિયડ્સ અનિયમિત થાય છે. હોર્મોનની અનિયમિતતાની અસરને કારણે જ આવા શારીરિક તથા માનસિક ફેરફારો જોવા મળે છે. આવા સમયે પોઝિટિવ રહેવું ખૂબ જરૂરી છે.

એ માટે પહેલાં તો તમે મનગમતાં કાર્યોમાં મન પરોવો, સંગીત-વાંચન જેવી પ્રવૃત્તિનો શોખ કેળવો, સવારના સમયે બગીચામાં ચાલવા જાવ, કમ સે કમ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત એક્સરસાઈઝ અથવા તો ઝૂમ્બા, એરોબિક્સ નૃત્ય જેવી પ્રવૃત્તિ કરો. આ ઉપરાંત, ઓછા કાર્બોહાઈડ્રેટ ધરાવતો તેમ જ ઓછી ચરબીયુક્ત આહાર લેવો, જેમાં વિટામિન અને પ્રોટીન પૂરતી માત્રામાં હોય એ જરૂરી છે. આ સમયે કૅલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા દૂધ તથા દહીં-છાશનો સારા પ્રમાણમાં ઉપયોગ કરવો. સીઝનલ ફ્રૂટ્સ નિયમિત લેવાં. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું. દિવસના ત્રણ મુખ્ય આહાર (બ્રેકફાસ્ટ-લંચ-ડિનર)માંથી કોઈ પણ એક સમયનો આહાર હળવો લેવો. તળેલા તેમ જ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો.

પ્રશ્ન: મારી દીકરી 12 વર્ષની છે. હમણાં થોડા સમયથી એ અવારનવાર બીમાર પડે છે. એની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધારી શકાય એવો આહાર સૂચવશો.

– નયના શાહ (સુરત)

ઉત્તર: અત્યારના ફાસ્ટ ફૂડના સમયમાં બાળકો હેલ્ધી ફૂડને અવગણી પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, નૂડલ્સની લતે ચઢી રહ્યાં છે. ટૂંકમાં, જે ખાવાલાયક આહાર છે એ ખાતાં નથી અને શરીર માટે અતિ હાનિકારક એવી ચીજવસ્તુ પેટમાં પધરાવ્યે રાખે છે.

આજનાં બાળકોને હેલ્ધી અને ઈમ્યુનિટી વધારનારા ખાદ્ય પદાર્થો તરફ ખેંચવાં  હોય તો એ દેખાવમાં આકર્ષક હોય એ જરૂરી છે. હા, આ એક વરવી વાસ્તવિકતા છે. આપણે કોઈ ચીજનાં વખાણ કરશું કે એના ફાયદાની વાત કરશું તો પણ બાળક સહેલાઈથી નહીં માને. એમને એ ચીજ ખાવા રીતસર લલચાવવા પડે છે.

જેમ કે તમે એમને ફ્રૂટ્સ લેવાનું કહેશો તો બાળકો એ ન ખાય એવું બને, પરંતુ એમને ભાવતાં અમુક ફ્રૂટ્સ સરસ-ડેકોરેટિવ રીતે એમની સામે મૂકશો તો એ ખાવા માટે પ્રેરાશે. ફ્રૂટની જગ્યાએ ક્રીમ સૅલડ અથવા તો ફ્રૂટમાં થોડું નટેલા કે પીનટ બટર તથા ચાટમસાલા ઉમેરીને સર્વ કરવામાં આવે તો બાળકો ચોક્કસ એ લેવા આકર્ષાશે.

ફ્રૂટ્સ ઉપરાંત બ્રોકોલી, દહીં, બદામ, હળદર, પાલક, આદું, લસણ, વગેરે પણ ઈમ્યુનિટી વધારનારા ખાદ્ય પદાર્થો છે. એનો ઉપયોગ એવી રીતે આહારમાં કરવો કે બાળકો એને સ્વીકારે. દહીંમાં પણ ફ્રૂટ્સ અને ફ્લેવર્સ ઉમેરીને એને ટેસ્ટી બનાવી શકાય. આમ બાળકો માટે કોઈ પણ ડિશ એટ્રેક્ટિવ હોય એ જરૂરી છે, જેથી આપણે એમને હેલ્ધી ડિશ ખવડાવી શકીએ.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)