હવે સૂત્ર બનાવો, પહેલે બાથ, ફિર ભાત!

ત્યારે મોટાભાગે ઘરમાં પતિપત્ની એકલાં રહેતાં હોય છે. માતાપિતા પોતાની જન્મભૂમિમાં રહેતાં હોય છે. આથી ઘરમાં નિયમોને પાળવાનું થતું નથી. ઘણીવાર ઘરમાં માતાપિતા હોય તો પણ કામ છે એટલે પહેલાં પતાવી લઈએ પછી નહાશું. આમ વિચારતાં હોઈએ છીએ. પરંતુ તેમ કરતાંકરતાં જમવાનો સમય થઈ જાય છે. એટલે પત્ની કહે કે હવે જમી લો. તો રસોડું પતે. આ રસોડું પતાવવા અને પોતાને ભૂખ લાગી પણ હોય તેથી, પહેલાં જમી લેવામાં આવે છે અને પછી નહાવા જાય છે!

આ નિયમો માત્ર ધર્મ-કર્મના નહીં, પરંતુ સ્વાસ્થ્યને લગતાં પણ છે. દા.ત. વહેલાં ઉઠવું, અથવા મોડા ઉઠ્યાં હો તો પણ પ્રાતઃક્રિયા પતાવીને નહાઈ લેવું. નહાતાં પહેલાં નાસ્તો ન કરવો.

આથી બને છે એવું કે કેટલીક વાર બહુ ભૂખ લાગી હોય તો પહેલાં જમી લેવામાં આવે છે અને પછી નહાવાની વિધિનું મુહૂર્ત આવે છે. આ ખોટું છે.

ના. માત્ર ઉપાસનાની રીતે નહીં, સ્વાસ્થ્યની રીતે પણ.

માત્ર આયુર્વેદ જ નહીં, આધુનિક વિજ્ઞાન પણ માને છે કે ભોજન પછી તરત જ નહાવું ન જોઈએ. આજની પેઢી તર્ક વગર સમજતી નથી. તેથી તેનાં કારણો પણ આપવામાં આવ્યાં છે.

આજે લોકો મલ્ટિટાસ્કિંગમાં માને છે. આથી ફૉન પર વાત કરતાંકરતાં, છાપું વાંચતાંવાંચતાં, ટીવી જોતાંજોતાં કે વાતો કરતાંકરતાં જમવાની ટેવ પડી ગઈ છે. આમાંથી સહુથી ઓછી ખરાબ ટેવ વાતો કરતાંકરતાં જમવાની છે. અને તે પણ જો આ વાતો આનંદસભર હોય. કકળાટની વાતો હોય તો જમવાનું ગણ નહીં જ કરે.

આજકાલ ભાગદોડભરી જિંદગીમાં એ તો શક્ય નથી જ કે આપણે દરેક બાબત આરોગ્યને ધ્યાનમાં રાખીને કરી શકીએ, પરંતુ બને તેટલી અનુસરીએ તો તેમાં આપણું આરોગ્ય જ સારું રહેશે અથવા વધુ સારું થશે. મલ્ટિટાસ્કિંગ બરાબર છે પરંતુ આરોગ્યના ભોગે તો તે ન જ કરવું જોઈએ. એકાદ જણ સાથે ફૉન પર ઓછી વાત કરીએ તો ન ચાલે? ફૉન પર વૉટ્સએપ મેસેજ પંદર મિનિટ સુધી- જમી લઈએ ત્યાં સુધી ન જોઈએ તો ન ચાલે?

જો કોઈ કારણસર તમે ભોજન પછી નહાતાં હો તો તે તમારા માટે ખરાબ ટેવ છે. હકીકતે ભોજન કર્યા પછી તરત નહાવાથી રક્તનો સંચાર પેટથી શરીરના અન્ય ભાગોમાં થવા લાગે છે. આના કારણે પાચનક્રિયા સુસ્ત પડી જાય છે અને ભોજન બહુ વિલંબથી પચે છે.

વૃદ્ધ લોકોના માનવા પ્રમાણે, આપણે દરેક કામ સમય પર કરવું જોઈએ. આયુર્વેદ મુજબ, ભોજન કર્યા પછી શરીરમાં જઠરાગ્નિ સક્રિય થઈ જાય છે અને તે પાચનમાં મદદ કરે છે. પરંતુ ભોજન કર્યા પછી તરત નહાવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે અને તેના કારણે પાચનક્રિયા ધીમી પડી જાય છે.

માત્ર આયુર્વેદ જ નહીં, આધુનિક તબીબી વિજ્ઞાન પણ કહે છે કે નહાયાં પછી શરીરનું તાપમાન ઘટી જાય છે. શરીર ધીમેધીમે ઠંડું થવા લાગે છે જેના કારણે પાચનમાં સહાયતા માટે જે તાપમાન જરૂરી હોય છે તે જાળવી રાખવામાં મુશ્કેલી પડે છે. તેના કારણે રક્તનો પ્રવાહ શરીરના અન્ય ભાગોમાં વહેવા લાગે છે. તેના કારણે પાચનક્રિયા ધીમી થઈ જાય છે. ભોજન ન પચવાના કારણે વ્યક્તિને બેચેની થવા લાગે છે અને એસિડિટી તેમ જ કબજિયાતની તકલીફ થઈ જાય છે.

જોકે ભોજન કર્યા પછી તરત નહાવાથી બીજી કોઈ આડઅસર થાય છે કે કેમ તેના પર કોઈ નક્કર અભ્યાસ થયો નથી. પરંતુ અનુભવી લોકોનું માનવું છે કે જો ભોજન કર્યા પછી નહાવાનું થાય જ તો ભોજન કર્યા પછી બે-ત્રણ કલાક બાદ સ્નાન કરવું જોઈએ. સારું એ છે કે તમે ભોજન કર્યા પહેલાં જ નહાઈ લો તો તાજગી અનુભવશો.

તો (જમ્યાં પછી નહાતાં હોય તો) હવે સૂત્ર બનાવો, પહેલે બાથ ફિર ભાત!