ભારતના વધુ બે બીચને મળ્યું ‘બ્લૂ ફ્લેગ’ પ્રમાણપત્ર…

તામિલનાડુના કોવાલમ અને પુડુચેરીના ઈડન સમુદ્રકાંઠાઓને પ્રતિષ્ઠિત એવું ‘ઈન્ટરનેશનલ બ્લૂ ફ્લેગ બીચ’નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. બ્લૂ ફ્લેગ દરજ્જો એટલે સાફ-સુંદર બીચ. આ સિદ્ધિ પ્રાપ્ત થવાને કારણે ભારતના પર્યાવરણ-પર્યટનને વધુ બળ પ્રાપ્ત થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે હાથ ધરેલી ‘સ્વચ્છ અને હરિત ભારત’ની નીતિને મળેલી ઉપલબ્ધિઓમાં ઉમેરો થયો છે.

ડેન્માર્ક સ્થિત ગેર-લાભકારી અને ગેર-સરકારી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યૂકેશન સંસ્થા વિશ્વ સ્તરે માન્યતાપ્રાપ્ત બ્લૂ ફ્લેગ પ્રમાણપત્ર આપે છે. આ પ્રમાણપત્ર 33 માનદંડના અનુસરણ અને નિયમિત સારસંભાળ રાખવા બદલ આપવામાં આવે છે. આ સંસ્થા સાથે 60 દેશોમાં 65 સંસ્થાઓ-સંગઠનો જોડાયેલા છે.

સમુદ્રકાંઠાઓને બ્લૂ ફ્લેગ ટ્રેડમાર્ક અપાવવા માટે સંબંધિત બીચ તથા તેની આસપાસમાંથી ગંદકી અને પ્લાસ્ટિકનો કચરો હટાવવો પડે છે. બ્લૂ ફ્લેગ એવો સંકેત આપે છે કે સંબંધિત સમુદ્રકાંઠો પર્યટન અને પર્યાવરણ હેતુ માટે ઉચ્ચતમ માનદંડોનું પાલન કરનાર પ્રમાણિત બીચ છે જ્યાં પર્યટકોની સુરક્ષાની કાળજી લેવામાં આવે છે.

આ સાથે બ્લૂ ફ્લેગ મેળવનાર ભારતના બીચની સંખ્યા 10 પર પહોંચી છે. ગયા વર્ષના ઓક્ટોબરમાં આઠ બીચને આ દરજ્જો આપવામાં આવ્યો હતો – શિવરાજપુર (ગુજરાત), ઘોઘલા (દીવ), કાસરકોડ અને પડુબીદ્રી (કર્ણાટક), કપ્પડ (કેરળ), ઋષિકોન્દા (આંધ્ર પ્રદેશ), ગોલ્ડન (ઓડિશા), રાધાનગર (આંદામાન અને નિકોબાર).

(તસવીર સૌજન્યઃ પ્રસાર ભારતી)