ટોરેન્ટ ગ્રુપનો ક્રિકેટમાં પ્રવેશ, ગુજરાત ટાઇટન્સમાં મોટું રોકાણ!

અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ હવે ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝમાં બહુમતી હિસ્સો (67%) ખરીદવા જઈ રહ્યું છે. ટોરેન્ટ ગ્રુપની હોલ્ડિંગ કંપની, ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (TIPL) દ્વારા, લક્ઝમબર્ગ-સ્થિત Irelia Company Pte Ltd (CVC કેપિટલ પાર્ટનર્સ) સાથે આ માટે કરાર કરવામાં આવ્યો છે. આ કરાર BCCI સહિતની જરૂરી મંજૂરીઓ પર આધારિત રહેશે.

આ કરાર પછી, CVC ફંડ્સ 33% નો લઘુમતી હિસ્સો જાળવી રાખશે. આ કરાર ટોરેન્ટ ગ્રુપ માટે રમતગમત ક્ષેત્રમાં પ્રવેશની મહત્વપૂર્ણ શરૂઆત છે અને ભારતીય રમત ઉદ્યોગ માટે એક મહત્વનો ટ્રાન્સફર છે.

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જિનલ મહેતાએ કહ્યું કે, “ગુજરાત ટાઇટન્સ અને તેના લાખો ચાહકોનું ટોરેન્ટ ગ્રુપમાં સ્વાગત કરવું અમારા માટે ગૌરવની વાત છે. આજે રમતગમત ક્ષેત્રે અનેક નવી તકો ઉભી થઈ રહી છે અને ટોરેન્ટ આ ક્ષેત્રમાં વિકાસ માટે ઉત્સાહિત છે. અમે ચાહકો માટે શ્રેષ્ઠ અનુભવ ઊભો કરવા અને ગુજરાત ટાઇટન્સને વધુ ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”

CVC કેપિટલ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર સિદ્ધાર્થ પટેલે જણાવ્યું, “આ કરાર ભારતના સૌથી લોકપ્રિય રમત માટે એક નવા પ્રકરણની શરૂઆત છે. અમે આઈપીએલ 2022માં ટાઇટલ જીત્યું અને 2023માં રનર્સ-અપ રહ્યા, જે અમારી મજબૂત ભાગીદારી દર્શાવે છે. ટોરેન્ટ સાથેના નવા જોડાણથી વધુ વિકાસ માટે તકો ખુલશે.” જયારે CVC ના પાર્ટનર અમિત સોની ઉમેરે છે, “ટોરેન્ટ ગ્રુપના સાથે ભાગીદારી કરવા માટે અમે ઉત્સાહિત છીએ. ટોરેન્ટ, એક પ્રતિષ્ઠિત બિઝનેસ ગ્રુપ છે અને આ ભાગીદારી ગુજરાત ટાઇટન્સ માટે વૃદ્ધિ અને વિકાસના નવા રસ્તાઓ ખોલશે.”

CVCના મેનેજિંગ પાર્ટનર નિક ક્લેરીએ કહ્યું કે, “ફોર્મ્યુલા-1 અને અન્ય મોટા ક્રીડા ઇવેન્ટ્સમાં રોકાણ કર્યા બાદ, CVC માટે ગુજરાત ટાઇટન્સમાં આ રોકાણ એક મહત્વપૂર્ણ પડકાર સાબિત થયું છે. અમે BCCI, મેનેજમેન્ટ, ખેલાડીઓ અને ચાહકોના સહયોગ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. ટોરેન્ટ સાથે જોડાઈને, અમે વધુ વેગ મેળવીશું.” આ કરાર દ્વારા ટોરેન્ટ ગ્રુપ હવે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ સ્થાપિત કરશે અને ગુજરાત ટાઇટન્સને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે મજબૂત યોજનાઓ લાવશે.ઉ

ઉલ્લેખનીય છે કે ટોરેન્ટ ગ્રુપ, રૂ. 41,000 કરોડ (આશરે USD 4.9 બિલિયન)થી વધુની આવક અને રૂ. 2 લાખ કરોડ (આશરે USD 23 બિલિયન)ની ગ્રુપ માર્કેટ કેપ ધરાવતું, ફાર્માસ્યુટિકલ્સ, પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ક્ષેત્રોમાં મજબૂત પક્કડ ધરાવે છે. ગ્રુપ વિશ્વભરમાં 25,000થી વધુ લોકોને રોજગારી આપે છે. જયારે CVC એ એક અગ્રણી વૈશ્વિક ખાનગી રોકાણ સંચાલક છે, જેની સંચાલિત સંપત્તિ લગભગ €191 બિલિયન છે અને જે વિશ્વભરમાં 140 કંપનીઓમાં રોકાણ ધરાવે છે.

નોંધનીય છે કે, 2022માં સ્થપાયેલી ગુજરાત ટાઇટન્સ, જેનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ છે, તેની પ્રથમ IPL સીઝનમાં ટાઇટલ જીતનાર બીજી ટીમ બની હતી. આ ફ્રેન્ચાઇઝનું નેતૃત્વ શુભમન ગિલ અને કોચિંગ આશિષ નેહરા સંભાળે છે.