ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ દિવસને અંતે તેના પહેલા દાવમાં 90 ઓવર રમીને 4 વિકેટના ભોગે 255 રન કર્યા હતા. ઓપનર ઉસ્માન ખ્વાજા 104 રન કરીને અને કેમરન ગ્રીન 49 રન સાથે દાવમાં હતો. ટ્રેવિસ હેડ 32, માર્નસ લેબુશેન 3, કેપ્ટન સ્મીથ 38 અને પીટર હેન્ડ્સકોમ્બ 17 રન કરીને આઉટ થયો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ બે વિકેટ લીધી હતી જ્યારે સ્પિનરો – આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો. ખ્વાજા 251 બોલનો સામનો કર્યો હતો અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. કારકિર્દીની 60મી ટેસ્ટ રમતા ખ્વાજાની આ 14મી સદી છે. તે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ મુસ્લિમ ટેસ્ટ ક્રિકેટર છે. 4-મેચોની શ્રેણીમાં ભારત 2-1ની અપરાજિત સરસાઈ સાથે આગળ છે.
