GalleryEvents મુંબઈ પોલીસના કાર્યક્રમ ‘ઉમંગ-2019’માં બોલીવૂડ ઉમટ્યું… January 30, 2019 મુંબઈનું પોલીસ દળ તેની સિદ્ધિઓ તથા તેના જવાનોની નિષ્ઠા અને સખત પરિશ્રમની ઉજવણી કરવા દર વર્ષે વાર્ષિક આનંદોત્સવ ઉજવે છે જેનું નામ છે ‘ઉમંગ’. આ વખતે ‘ઉમંગ-2019’ કાર્યક્રમનું આયોજન 29 જાન્યુઆરી, સોમવારે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. એમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, રણવીર સિંહ, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, તાપસી પન્નૂ, આયુષ્માન ખુરાના, ધર્મેન્દ્ર, ઉર્મિલા માતોંડકર, તબુ સહિત બોલીવૂડનાં અનેક નામાંકિત કલાકારોએ હાજરી આપી હતી અને સ્ટેજ પર પરફોર્મન્સ કર્યો હતો. સિનેયુગ ગ્રુપના સહયોગમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમનું સંચાલન મિની માથુર, મલિશ્કા મેન્ડોન્સા અને મનીષ પૌલે કર્યું હતું. અભિનેત્રી રવીના ટંડને મહિલા પોલીસ અધિકારીઓ અને જવાનોની બહાદુરી વિશે સંબોધન કર્યું હતું. અક્ષય કુમારે ડેરડેવિલ પરફોર્મન્સ રજૂ કર્યો હતો. એણે તેની ખિલાડી સ્ટાઈલમાં ભારતીય ધ્વજને ફરકાવ્યો હતો. ફિલ્મ કલાકારોએ મુંબઈ પોલીસ ફાઉન્ડેશન માટે રૂ. 51 લાખનો ફાળો પણ ઉઘરાવ્યો હતો. અમિતાભ બચ્ચન અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ કેલેન્ડર-2019નું અનાવરણ કર્યું હતું. અમિતાભ બચ્ચને મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને રૂ. 51 લાખનું દાન આપ્યું છે. કાર્યક્રમમાં સચીન તેંડુલકર અને એમના પત્ની અંજલિ, અમૃતા દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર દેવેન ભારતી તથા અન્ય ટોચના પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.