મેળા અને મહોત્સવની મોસમમાં શહેરના રિવરફ્રન્ટ પર આવેલા ફ્લાવર ગાર્ડન, ઈવેન્ટ સેન્ટર પાલડીમાં વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024 શરૂ થઈ ગયો છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એ ઉદઘાટન બાદ મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્ય મંત્રીશ્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 30 ડિસેમ્બરે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, મેયર પ્રતિભાબહેન જૈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયા બાદ 15 જાન્યુઆરી, 2024 સુધી લોકો નિહાળી શકશે.
વાઇબ્રન્ટ ફ્લાવર શો 2024માં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે મોઢેરાનું સૂર્ય મંદિરની ઝાંખી સાથે વિવિધ ઝાંખીને ફૂલો છોડ રંગ રોશનીથી તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદમાં સૌથી વધારે આકર્ષણ જમાવતા ફ્લાવર શો 2024માં અનેક ફૂલોની વેરાઇટી મૂકવામાં આવી છે. બાગ બગીચાને સજાવતી સામગ્રીના સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે.
‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ના મુખ્ય આકર્ષણોમાં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં, અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી-જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.
આ ઉપરાંત ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ માં આ વખતે વિવિધ પ્રકારનાં 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવાં અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)