મુંબઈના આકાશમાં ‘સૂર્યકિરણ’ વિમાનોનું રોમાંચક ફ્લાયપાસ્ટ

ભારતીય હવાઈ દળ દ્વારા ‘એરફોર્સ ડે’ ઉજવણી નિમિત્તે અને હવાઈ દળનું સામર્થ્ય દર્શાવવા માટે 18 ઓક્ટોબર, સોમવારે બપોરના સમયે ‘સૂર્યકિરણ’ વિમાનોની રોમાંચક ફ્લાયપાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા તથા તાજ મહેલ પેલેસ હોટેલની ઉપરના આકાશમાં ‘સૂર્યકિરણ’ વિમાનોની અવકાશી કવાયત જોઈને લોકો દંગ રહી ગયા હતા.

આ અવકાશી કવાયત દરમિયાન ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમના જાંબાઝ જવાનોએ ખૂબ નીચી ઉંચાઈએ વિમાન ઉડાડીને લોકોને રોમાંચિત, હર્ષાન્વિત કરી દીધા હતા.

તેમણે ઉત્તરથી દક્ષિણ તરફ – એટલે કે અંધેરીથી વરલી સી-લિન્ક અને ગેટવે ઓફ ઈન્ડિયા સુધીના આકાશમાં ફ્લાયપાસ્ટ કર્યું હતું.