GalleryEvents દેશભક્તિ ફિલ્મ ‘સરદાર ઉધમ’નું ટ્રેલર લોન્ચ કરાયું… September 30, 2021 ક્રાંતિકારી સરદાર ઉધમસિંહના જીવન પર આધારિત આગામી હિન્દી ફિલ્મ ‘સરદાર ઉધમ’નું ટ્રેલર નિર્માતાઓએ 30 સપ્ટેમ્બર, ગુરુવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું હતું. આ પ્રસંગે શીર્ષક ભૂમિકા ભજવનાર અભિનેતા વિકી કૌશલ ઉપરાંત દિગ્દર્શક સુજિત સરકાર તેમજ નિર્માતાઓ – રોની લાહિરી અને શીલ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય સેનાની સરદાર ઉધમસિંહની બાયોપિક ફિલ્મ 16 ઓક્ટોબરથી એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે. લગભગ અઢી મિનિટના ટ્રેલરનો આરંભ એક વોઈસઓવરથી થાય છે જેમાં જણાવાય છેઃ ‘ભારતીયો એમના દુશ્મનોને ક્યારેય ભૂલતા નથી. તેઓ 20 વર્ષ પછી પણ એમને ખતમ કરે છે.’ ટ્રેલરમાં વિકી કૌશલને ઉધમસિંહના રૂપમાં બતાવવામાં આવ્યો છે. બ્રિટિશ શાસન વખતે 1919ની 13 એપ્રિલે અમૃતસરમાં કરાયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડની અધમ હત્યાઓનો બદલો લેવા માટે સરદાર ઉધમસિંહે લંડન જઈને 1940ની 13 માર્ચે વેસ્ટમિન્સ્ટરના કેક્ષ્ટન હોલમાં ચાલતી એક મીટિંગ વખતે માઈકલ ઓ’ડાયર (75)ને ગોળી મારીને ઠાર કર્યા હતા. જલિયાંવાલા બાગ હત્યાકાંડ સર્જાયો હતો ત્યારે માઈકલ ઓ’ડાયર પંજાબના લેફ્ટેનન્ટ ગવર્નર હતા. જલિયાંવાલા બાગ ખાતે શાંતિપૂર્વક એકઠાં થયેલાં નિર્દોષ અને નિઃશસ્ત્ર લોકો પર અંધાધૂંધ, અમાનુષીપૂર્વક ગોળીબાર કરવાનો 50 સૈનિકોને કર્નલ રેજિનાલ્ડ ડાયરે આદેશ આપ્યો હતો. તે હત્યાકાંડમાં 379 નિર્દોષ સ્ત્રી, પુરુષો, ઘરડાંઓ, બાળકો માર્યા ગયા હતા અને બીજાં હજારો લોકો ઘાયલ થયા હતા. ડાયરના તે આદેશને બાદમાં માઈકલ ઓ’ડાયરે સાચો ગણાવ્યો હતો. ઓ’ડાયરને ઠાર કર્યા બાદ ઉધમસિંહે ભાગવાનો પ્રયાસ નહોતો કર્યો અને લંડનની પોલીસે એમને પકડી લીધા હતા. કાનૂની કાર્યવાહી વખતે ઉધમસિંહે કહ્યું હતું કે, ‘એ (માઈકલ ઓ’ડાયર આ જ મોતને લાયક હતા. એ જ ખરા ગુનેગાર હતા. તેઓ અમારા લોકોના જુસ્સાને કચડી નાખવા માગતા હતા. મેં એમને કચડી નાખ્યા. 21 વર્ષથી હું આ બદલો લેવાની રાહ જોતો હતો. મને ખુશી થઈ છે કે હું એ કામ કરી શક્યો છું. હું મોતથી ડરતો નથી. હું મારા દેશ માટે મરી રહ્યો છું.’ (તસવીરોઃ માનસ સોમપુરા – ARTFIRST PHOTO DESIGNS)